રામનાથ મહાદેવ મંદિરે PIએ ફરાળ કરતા ભક્તો વચ્ચે ગાડી ઘુસાડી ‘દાદાગીરી’નો આરોપ
- હું ભાજપ મહામંત્રી છું લોકોને ફરાળ કરવા દો પણ એ ડિવિઝન PI ટસના મસ થયા નહીં લોકોને દૂર કરી વાહનો હટાવી પસાર થયા
- ભાજપ આગેવાન જીતુ મહેતાએ શહેર પ્રમુખને કહ્યું પોલીસ અધિકારીનું વર્તન શોભે તે પ્રકારનું ન હતું
સિટી ન્યૂઝ@રાજકોટ
શ્રાવણ માસના ત્રીજા સોમવારે રામનાથ મહાદેવ મંદિર પાસે રાત્રિના સમયે હજારો ભાવિકો ફરાળ કરી રહ્યા હતા ત્યારે એ ડિવિઝનના પી.આઈ.એ તેઓની વચ્ચેથી ધારાથી પોતાની પોલીસ જીપ કાઢી હતી. આ સમયે ત્યાં ઉપસ્થિત શહેર ભાજપ આગેવાન જીતુ મહેતા અને રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વલ્લભ દુધાત્રાએ પી.આઈ.ને આમ ન કરવા વિનંતી કરી હતી જોકે એ ડિવિઝનના પી.આઈ. ટસના મસ થયા ન હતા અને ફરાળ કરી રહેલા લોકોને દૂર કરી તેમજ વાહનો હટાવીને તેઓની વચ્ચેથી જ પસાર થઈ
રવાના થઈ ગયા હતા. આ ઘટના અંગે ભાજપ આગેવાન જીતુ મહેતાએ જણાવ્યું હતું કે વર્ષોથી શ્રાવણ મહિનાના દર સોમવારે ભાવિકોને ફરાળી ચેપકો અને દર્શનનું ફરાળ કરાવવામાં આવે છે. આ વર્ષે પણ સોમવારે ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું.રામનાથપુરા મંદિર અને તેની આસપાસમાં હજારો લોકો જેમાં મહિલા અને બાળકો પણ હતા તેઓ ફરાળ કરી રહ્યા હતા ત્યારે એક શેરીમાંથી એ ડિવિઝનના પી.આઈ. સરકારી જીપ લઈને નીકળ્યા હતા.ભીડ વધુ હોવાથી તેઓ આગળ વધી શકે તેમ ન હતા. આથી તેમની સાથે રહેલા સ્ટાફને નીચે
ઉતારીને ફરાળ કરી રહેલા લોકોને દૂર કર્યા હતા અને વાહનો પણ હટાવ્યા હતા. કેટલાક પાથરણાવાળાને પણ ધમકાવ્યા હતા. આ અંગે જાણ થતાં પોતે પી.આઈ. પાસે દોડી ગયા હતા અને જણાવ્યું હતું કે અહીંયા શ્રાવણ માસ દરમિયાન પોલીસ કમિશનર દરજ્જાના અધિકારી આવે છે તો તેઓ પણ ચાલીને જ બંદોબસ્ત સહિતની કાર્યવાહી નિહાળે છે.લોકોને ફરાળ કરી લેવા દો ત્યારબાદ તે જીપ લઈને નીકળી જજો, તેવી વિનંતી કરી હતી. રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વલ્લભ દુધાત્રાને પણ જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે આવ્યા હતા અને
પી.આઈ.ને વિનંતી કરી હતી કે તમે જે કરી રહ્યા છો તે ખોટું છે. જોકે પી.આઈ. ટસના મસ થયા ન હતા અને ફરાળ કરી રહેલા હજારો લોકોની વચ્ચેથી જ જીપ કાઢી લીધી. જીતુ મહેતાએ જણાવ્યું હતું કે આટલા વર્ષોમાં ક્યારેય આવ્યું નથી થયું. પી.આઈ.ને અનેક વખત વિનંતી કરી પરંતુ તેઓ સત્તાના મદમાં હતા. આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોમાં રોષ પણ હતો આથી શહેર ભાજપ પ્રમુખને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે મંગળવારે શું થતી તેની જાણકારી બાદ શું કરવું તે નિર્ણય લેવાશે.