ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધીને 376 થઇ
-
બે વર્ષ પહેલાં રાજ્યમાં આ સંખ્યા આશરે 235 જેટલી નોંધાઈ હતી
-
અખબારનગર, વાડજ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં બંગલાઓની માંગ વધી
-
ઓલ્ડ એજ હોમ ઉપરાંત સિનિયર લિવિંગ અને કેર સેન્ટરનો થયો વધારો
સિટી ન્યુઝ @ અમદાવાદ
ગુજરાતમાં સંયુક્ત પરિવારની પરંપરાગત વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે અને તેની સૌથી મોટી અસર વડીલોના જીવનમાં જોવા મળી રહી છે. સંતાનો નોકરી-ધંધા અર્થે કે વિદેશમાં સ્થાયી થવાથી એકલા પડતા માતા-પિતા માટે વૃદ્ધાશ્રમ હવે માત્ર નિરાધાર વડીલો માટેની આશરો નથી રહ્યા, પરંતુ શહેરોમાં ખાનગી, ટ્રસ્ટ સંચાલિત અને સિનિયર-કેર હોમ્સની સંખ્યા આશ્ચર્યજનક રીતે વધી રહી છે.
વ્યવસાયિક લિસ્ટિંગ ડેટા પ્રમાણે વર્ષ 2026 માં ગુજરાતમાં આશરે પ્રાઈવેટ અને સંસ્થાકીય મળીને કુલ 376 વૃદ્ધાશ્રમ, સિનિયર લિવિંગ અને સંબંધિત કેર સેન્ટર નોંધાયેલા છે. બે વર્ષ પહેલાંના ઉપલબ્ધ અહેવાલોમાં આ સંખ્યા 235 ની આસપાસ દર્શાવવામાં આવી હતી, જે સ્પષ્ટ કરે છે કે વૃદ્ધ સંભાળનું ક્ષેત્ર રાજ્યમાં ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
આ બે વર્ષના ગાળામાં આશરે 140 જેટલી નવી સંસ્થાઓ ઉમેરાઈ છે, જેનાથી સરેરાશ ગણતરી કરીએ તો ગુજરાતમાં દર પાંચેક દિવસે એક નવી વૃદ્ધ સંભાળ સંસ્થા ઉમેરાઈ હોય તેવો ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અખબારનગર, વાડજ, વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારોમાં હવે મોટા મકાનો ઉપરાંત નાના-નાના પ્રાઈવેટ બંગલાઓ અને ટેનામેન્ટમાં પણ વૃદ્ધાશ્રમો શરૂ થઈ રહ્યા છે.
અમદાવાદ આ ટ્રેન્ડનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે, જ્યાં માત્ર 15 જેટલા વૃદ્ધાશ્રમ હતા તે વધીને હવે નોંધપાત્ર સંખ્યામાં પહોંચી ગયા છે. 2026 ના આંકડા મુજબ અમદાવાદમાં 86, સુરતમાં 63, વડોદરામાં 48, રાજકોટમાં 23 અને જૂનાગઢમાં 17 સંસ્થાઓ નોંધાયેલી છે, જે ચારેય મોટા શહેરોમાં વધતી જરૂરિયાત દર્શાવે છે.
સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પણ વિવિધ જિલ્લાઓમાં આ સંસ્થાઓની વિગતો રાખવામાં આવે છે, જેમાં સિનિયર લિવિંગ, આસિસ્ટેડ લિવિંગ અને અન્ય કેર સેન્ટરોનો પણ સમાવેશ થાય છે. આ ઝડપથી બદલાતું સામાજિક ચિત્ર આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને પરિવાર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા કરે છે.
સામાજિક બદલાવ અને વડીલોની સુરક્ષા
સંયુક્ત પરિવાર પ્રથાના વિઘટન અને આધુનિક જીવનશૈલીના કારણે વડીલોના એકાંત અને તેમની સંભાળનો પ્રશ્ન આજની પેઢી માટે એક મોટો સામાજિક પડકાર બનીને ઉભરી આવ્યો છે.