Loading Please Wait !!!
રાજકોટ મનપા સંચાલિત 5 હાઈસ્કૂલોનું ધોરણ-10નું ઝળહળતું પરિણામ જાહેર

  • સરોજીની નાયડૂ ગર્લ્સ હાઈસ્કૂલે 100% પરિણામ સાથે મેદાન માર્યું : અન્ય ચાર સ્કૂલોનું પરિણામ સુધર્યું 

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલોનું ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે મનપા સંચાલિત શાળાઓના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.  આ વર્ષે શ્રીમતી સરોજીની નાયડૂ ગર્લ્સ હાઈસ્કૂલનું શાનદાર પ્રદર્શન કર્યું છે આ શાળાએ ૧૦૦% પરિણામ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાળાની ૨૩ વિદ્યાર્થીનીઓએ ૯૦ થી વધુ PR મેળવ્યા છે, જ્યારે ૬૬ વિદ્યાર્થીનીઓએ ૮૦ થી વધુ PR પ્રાપ્ત કર્યા છે. ખાસ બાબત એ છે કે સામાજિક વિજ્ઞાન વિષયમાં ૨ વિદ્યાર્થીનીઓ અને ગણિત તથા વિજ્ઞાનમાં ૧-૧ વિદ્યાર્થીનીએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. 

શ્રી પી. & ટી. વી. શેઠ હાઈસ્કૂલ શાળાનું પરિણામ ૮૮.૨૩% રહ્યું છે. શાળામાં તાલિબહુસેન મોસીનભાઈ પીપરવાડીયા ૯૩% (૯૭.૮૯ PR) સાથે પ્રથમ ક્રમે રહ્યા છે.  શ્રી મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય શાળાએ ૮૩.૮૭% પરિણામ મેળવ્યું છે, જે ગત વર્ષ કરતા ૫.૬૧% વધુ છે. શ્રી મુરલીધર વિદ્યાલય ગત વર્ષના ૪૮.૪૮% ની સરખામણીએ આ વર્ષે ૬૦.૬૦% પરિણામ મેળવીને ૧૨.૧૨% નો મોટો ઉછાળો નોંધાવ્યો છે. 

શ્રી એકનાથ રાનડે વિદ્યાલય શાળાનું પરિણામ ૬૧.૧૧% રહ્યું છે, જે ગત વર્ષ કરતા ૯.૯૮% વધારે છે.  રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લગભગ તમામ શાળાઓના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ સુધારો જોવા મળ્યો છે. શ્રી વીર સાવરકર વિદ્યાલયના પરિણામમાં પણ ૯.૨૧% નો વધારો નોંધાયો છે. મનપાની શાળાઓમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના બાળકોએ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પોતાની પ્રતિભા સાબિત કરી છે.