સિદસર મદ્રેસા કેસ: SOGની તપાસ તેજ, રિમાન્ડ પર રહેલા મૌલવીને લઈને ભરૂચ પહોંચી પોલીસ ટીમ!
-
ભાવનગરના સિદસર વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે મેગા કોમ્બિંગ દરમિયાન ગેરકાયદેસર મદ્રેસા ઝડપાયો હતો.
-
ઉશ્કેરણીજનક સાહિત્ય સાથે પકડાયેલા મૌલાના મોહમ્મદ શરીફ હાલ ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
-
કેસની ગંભીરતા જોતાં દેશની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પણ મૌલવીની સઘન પૂછપરછ શરૂ કરી છે.
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર, તા. ૨૫ ભાવનગર નજીક આવેલ સિદસરના ૨૫ વારિયા વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે મેગા કોમ્બિંગ દરમિયાન પકડાયેલા ગેરકાયદેસર મદ્રેસા મામલે એસઓજી (SOG) અને સ્પેશિયલ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉશ્કેરણીજનક અને વાંધાજનક સાહિત્ય સાથે ધરપકડ કરાયેલા મૌલાના મોહમ્મદ શરીફ હાલ ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે. મૌલાનાની શંકાસ્પદ ભૂમિકાને ધ્યાને રાખીને દેશની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પણ તેની સઘન પૂછપરછ શરૂ કરી છે, અને એ સાથે જ મૌલાનાને સાથે રાખીને SOG ની ટીમ ભરૂચ પહોંચી છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સિદસર ૨૫ વારિયા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર ૧૧૦, ૧૧૧ અને ૧૧૨માં હેતુફેર કરીને ગેરકાયદે મદ્રેસા ચલાવવામાં આવી રહ્યું હતું. તપાસ દરમિયાન ૨૬ વર્ષીય મૌલવી મોહમ્મદ શરીફ અબ્બાસભાઈ મરેડિયાના કબજામાંથી ઉર્દૂ અને અરેબિક ભાષામાં લખાયેલા ૧૫ જેટલા પુસ્તકો તેમજ મૌલવીએ પોતે લખેલી ૬૦ પાનાની ડાયરી સહિતનું વાંધાજનક સાહિત્ય મળી આવ્યું હતું. આ સાહિત્ય દ્વારા બાળકોના મનમાં ઝેર ઘોળવામાં આવતું હોવાનો ખુલાસો થતાં વરતેજ પોલીસ મથકે ગુનો નોંધી મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી.
ભરૂચ કનેક્શન સામે આવતાં SOG ટીમ ત્યાં પહોંચી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ભાવનગર આવ્યા પૂર્વે મૂળ બનાસકાંઠાનો મૌલાના ભરૂચ ખાતે રહીને અભ્યાસ કરતો હતો. ભરૂચથી જ તેને ભાવનગર લાવવામાં આવ્યો હોવાથી તેના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે શોધવા માટે ભાવનગર SOG ની એક ખાસ ટુકડી મૌલાનાને સાથે રાખીને ભરૂચ તપાસ અર્થે ગઈ છે. આ ઉપરાંત, મદ્રેસાને નાણાકીય ફંડિંગ પૂરું પાડનારા યુસુફ આરીફનાઈ મારજ્ઞણી અને અનસ મોહંમદસીદીક લાખાણી નામના બે શખ્સોની અગાઉ જ ધરપકડ કરીને તેમને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ જારી છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને એજન્સીઓની સતર્કતા
આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સંવેદનશીલ કનેક્શનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા આ કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે જેથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.