રાજકોટમાં એસટી બસનો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો!
- દિવાળી પર્વ પર એસટી વિભાગની આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ!
- દારૂ પીધેલી હાલતમાં ફરજ પર આવનાર ડ્રાઇવર છૂટો!
- રાજકોટથી ભાવનગર જતી એસી બસનો ડ્રાઇવર પકડાયો!
સિટી ન્યુઝ @ રાજકોટ : રાજકોટમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુરક્ષા અર્થે હાથ ધરવામાં આવેલી આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન એક ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાઈ ગયો છે.
રાજકોટથી ભાવનગર જતી એસી લક્ઝરી બસના ડ્રાઇવર યુવરાજસિંહ ગોહિલ બસ ઉપાડે તે પહેલાં જ ફરજ પર આલ્કોહોલ ટેસ્ટમાં પોઝિટિવ આવતા તેને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે.
વોલ્વોના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની ચકાસણી ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવે છે અને પકડાયેલા ડ્રાઇવરને પોલીસ સ્ટેશન મોકલી ધોરણસરની કાર્યવાહી કરાઈ છે.
આ ઘટના અંગે પ્રવાસ કરતી એક યુવતીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એસટી બસોમાં આ પ્રકારનું ચેકિંગ થવાથી મહિલાઓ અને બાળકો માટે મુસાફરી અત્યંત સુરક્ષિત બને છે.
ખાનગી બસોમાં આ પ્રકારની કોઈ સુરક્ષા વ્યવસ્થા કે ચેકિંગ ન થતું હોવાથી મુસાફરોમાં ચિંતા પ્રવર્તે છે, ત્યારે એસટી નિગમની આ કડક કાર્યવાહીથી મુસાફરોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
દિવાળી પર્વ પર એસટી વિભાગની સઘન આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ
રાજકોટમાં દિવાળીના તહેવારની ભીડભાડ વચ્ચે એસટી નિગમ દ્વારા ડ્રાઇવરો અને કંડક્ટરો માટે હાથ ધરવામાં આવેલી આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ અત્યંત સરાહનીય પગલું સાબિત થયું છે. બસ ઉપાડતા પહેલા જ નશાની હાલતમાં પકડાયેલા ડ્રાઇવરને ઝડપીને તંત્રે સેંકડો મુસાફરોના જાનનું જોખમ ટાળી દીધું છે. તહેવારોની મોસમમાં મુસાફરોની સુરક્ષા સર્વોપરી છે અને આ પ્રકારે અચાનક થતી ચકાસણી અનિયમિતતાઓ પર રોક લગાવે છે. એસટી વિભાગની આ સજ્જતા ખાનગી વાહનવ્યવહાર માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેથી મુસાફરો નિડર બનીને પોતાની મુસાફરી માણી શકે.