સાંઢિયા પુલ ખોલવા પહોંચેલા આપના 15 કાર્યકરોની અટકાયત
» તૈયાર બ્રિજનું ઉદઘાટન ટાળતા શાસકો સામે આમ આદમી પાર્ટીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
» પ્રતીકાત્મક લોકાર્પણ કરવા પહોંચેલા શહેર પ્રમુખ દિનેશ જોષી સહિતની પોલીસે અટકાયત કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ-જામનગર રોડ પર આવેલા અને લાંબા સમયથી બનીને તૈયાર થઈ ગયેલા સાંઢિયા પુલને જનતા માટે ખુલ્લો ન મુકાતા આખરે આમ આદમી પાર્ટી (AAP) મેદાને આવી છે. તૈયાર બ્રિજનું ઉદઘાટન ટલ્લે ચઢાવતા ભાજપના શાસકો સામે ઉગ્ર વિરોધ નોંધાવી, આજે આપના કાર્યકર્તાઓ બ્રિજનું પ્રતીકાત્મક લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે બ્રિજ પર પહોંચેલા ૧૫ જેટલા કાર્યકરોની અટકાયત કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ઘર્ષણ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોષીએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, આ પુલ લોકોએ પ્રામાણિકપણે ભરેલા વેરાના નાણાંથી બન્યો છે.
ઘણા સમયથી બ્રિજનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ભાજપના શાસકો પાસે ઉદઘાટન કરવા માટે સમય નથી, જેના કારણે સામાન્ય જનતાને ટ્રાફિકમાં રઝળવું પડે છે. શાસકો માત્ર પોતાના રાજકીય તાયફાઓ માટે બ્રિજને ધૂળ ખાતો રાખી રહ્યા છે જે જનતા સાથે સીધો દ્રોહ છે. દિનેશ જોષીએ સરકારની બેવડી નીતિ ખુલ્લી પાડતા આક્ષેપ કર્યો કે, એક તરફ ભાજપ સરકાર લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવાની મોટી ગુલબાંગો પોકારે છે, અને બીજી તરફ તૈયાર પુલ ન ખોલીને વાહનચાલકોને ટ્રાફિક જામમાં ફસાવી લાંબા ફેરા ખવડાવી રહી છે. ભાજપના વિલંબ અને ગંભીર બેદરકારીના કારણે સામાન્ય લોકોનો કિંમતી સમય અને ઈંધણ પાછળ મોટો આર્થિક બગાડ થઈ રહ્યો છે.
આ અગાઉ પણ આપે ૨૨ મે સુધીમાં બ્રિજ ખુલ્લો ન મુકાય તો જાતે જ લોકાર્પણ કરવાની કડક ચીમકી ઉચ્ચારી હતી. પોતાના અલ્ટીમેટમ મુજબ શનિવારે આપના કાર્યકરો બ્રિજ પર પહોંચ્યા હતા, પરંતુ પહેલેથી જ ગોઠવાયેલા પોલીસ કાફલાએ તમામની અટકાયત કરી આંદોલન સમેટી લીધું હતું. આપના આ ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ હવે જાડી ચામડીનું તંત્ર સફાળું જાગીને વહેલી તકે બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકશે તેવી આશા બંધાઈ છે.