Loading Please Wait !!!
સરકારી નાણાંની ઉચાપતના 24 વર્ષ જૂના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

=>  યુવા એડવોકેટ દિપ વ્યાસની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપ્યો ચુકાદો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ વ્યવસાય વેરા કચેરીમાં નિવૃત્ત કર્મચારીના નકલી રજા બિલ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવાના અને રેકોર્ડ સાથે ચેડાં કરવાના ૨૪ વર્ષ જૂના ચકચારી કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ફરિયાદ પક્ષ પોતાના આક્ષેપો સાબિત કરવામાં નિષ્ફળ રહેતા અને બચાવ પક્ષના યુવા એડવોકેટ દિપ વ્યાસની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે મુખ્ય આરોપી રમેશ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે.

ફરિયાદ પક્ષની વિગતો મુજબ, આ કેસના આરોપીઓ રમેશ રાઠોડ, ચેતન જોશી અને સબ્બીર અલીખોજાએ એકસંપ કરી વ્યવસાય વેરા કચેરીના નિવૃત્ત કર્મચારી સી.જી. પંડિતની ન મળવાપાત્ર રોકડ રકમ માટે રજા બિલ નં. ૨૧ બનાવ્યું હતું. મે ૨૦૦૧ માં બનેલું આ બિલ જૂન ૨૦૦૧ માં પાસ થતાં સરકારી નાણાંની ઉચાપત કરી તે નાણાં અંગત ઉપયોગમાં વાપર્યા હતા. તેમજ સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી ગુનો આચર્યો હતો. આ મામલે ફરિયાદી વિનોદ પટેલ દ્વારા રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ૨ જાન્યુઆરી ૨૦૦૨ ના રોજ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ અધિકારી દ્વારા અલગ-અલગ પંચનામા કરી, સાક્ષીઓના નિવેદન નોંધી, મુદ્દામાલ અને સહીના નમૂના કબજે કરી અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.

અદાલત દ્વારા આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરી પુરાવા નોંધવાનું શરૂ કરાયું હતું. આ કેસમાં અદાલત સમક્ષ સાહેદ ભુપત ભાલોડી, પંચ સાહેદ અફઝલ ખાન, તપાસ કરનાર અધિકારી જેસીંગ ધાંગા, કુસુમ ગાંધી, પ્રવીણચંદ્ર મકવાણા, ઇન્દ્રજીતસિંહ, પોલીસ સાહેદ ક્રિપાલસિંહ અને તપાસ કરનાર અધિકારી અનિરુદ્ધસિંહ પરમાર સહિતના સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત સહીના નમૂનાનું પંચનામું, ફરિયાદ નોંધવાનો હુકમ, વ્યવસાય વેરા અધિકારીનો પત્ર, SBI નું કાઉન્ટર ટ્રેઝરી ચેક, બિલ નં. ૨૧ નું ફોર્મ, પગાર પત્રકો, વેરા કમિશનર અને સી.જી. પંડિતના આદેશની નકલ, કેસ બુક, ચેક રજીસ્ટર અને રજા રિપોર્ટ ફાઈલ સહિતના અનેક દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

સમગ્ર પુરાવાઓ અને તમામ સાક્ષીઓની જુબાની રેકોર્ડ પર આવ્યા બાદ બચાવ પક્ષના એડવોકેટ દિપ વ્યાસે દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તેમણે કોર્ટ સમક્ષ સાબિત કર્યું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા લેખિત અને મૌખિક પુરાવાઓ આરોપી સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. ઉચ્ચ ન્યાયાલયોના વિવિધ ચુકાદાઓ અને વકીલની આ સચોટ દલીલોને ધ્યાનમાં રાખીને રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી. એમ. શાહની કોર્ટે આરોપી રમેશ રાઠોડને નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી રમેશ રાઠોડ તરફી રાજકોટના સિનિયર એડવોકેટ પી. સી. વ્યાસ, દિપ વ્યાસ, ઓમદેવસિંહ જાડેજા તેમજ લીગલ આસિસ્ટન્ટ તરીકે પ્રિયા કોદાવલા, મુસ્કાન સમા અને ધવલ ધોરિયા રોકાયેલા હતા.