સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI નો ઝાલમૂડી-મેલોડીથી અનોખો વિરોધ
=> ૨૦૧૯ ની બેચના નાપાસ વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવા માંગણી
=> રજૂઆત બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો સત્તાવાર પરિપત્ર અને કાર્યક્રમ બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
સિટી ન્યૂઝ@રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભાવિને લગતા ગંભીર પ્રશ્નોને વાચા આપવા માટે NSUI દ્વારા આજે એક અનોખું અને ધ્યાન ખેંચનારું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯ માં કોરોના મહામારીના કપરા કાળમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી જેઓ માત્ર ૧ કે ૨ વિષયમાં નાપાસ થયા છે, તેઓ પોતાની ડિગ્રી પૂર્ણ કરી શક્યા નથી. આવા હજારો વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટે 'સ્પેશિયલ ટ્રાયલ' તરીકે છેલ્લી તક આપવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
કુલપતિની ગેરહાજરીમાં કાર્યકરોએ કુલસચિવ અજયસિંહ જાડેજાને વિરોધના પ્રતીક રૂપે ઝાલમૂડી અને મેલોડી આપીને તંત્રની નિષ્ક્રિયતા સામે પોતાની નારાજગી વ્યકત કરી હતી.
NSUI ના નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટીના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષ ૨૦૧૯ ની બેચના વિદ્યાર્થીઓ માટે અગાઉ ૩ વાર રજૂઆત કરી હોવા છતાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત, વિવિધ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં ૩ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પરિણામો જાહેર ન થતા વિદ્યાર્થીઓનું ભાવિ અને રોજગારની તકો જોખમમાં મુકાઈ છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, પરિણામોમાં થતો આ અસાધારણ વિલંબ તેમના ઉચ્ચ અભ્યાસ અને નોકરીની ભરતી પ્રક્રિયામાં અવરોધક બની રહ્યો છે.
આ અંગે કુલસચિવ અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં તક આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય મંગળવારે જ લઈ લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેનો કાર્યક્રમ જાહેર થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલમાં સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓના પરિણામોને અગ્રતા આપવામાં આવી છે અને બાકી રહેલા અન્ય પરિણામો પણ આગામી ૧ અઠવાડિયામાં જાહેર કરી દેવામાં આવશે.
વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા ૨૦૧૯ ની બેચના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવાની અને પરીક્ષાના કાર્યક્રમ અંગેની રૂપરેખા તૈયાર કરવાની સઘન પ્રક્રિયા યુનિવર્સિટી વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ પગલાં દ્વારા વિદ્યાર્થીઓની વર્ષો જૂની માંગણીનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેઓ પોતાનું અધૂરું રહી ગયેલું શિક્ષણ પૂર્ણ કરી ડિગ્રી પ્રાપ્ત કરી શકે.