Loading Please Wait !!!
પાણીમાં પાંખો ફેલાવતો હીર પિત્રોડા, ચાર ગોલ્ડ સાથે રાજ્યમાં નંબર વન

=> સિનિયર સ્ટેટ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં રાજકોટનો ‘હીર’ ઝળક્યો

=> અમદાવાદમાં યોજાઈ હતી રાજ્યકક્ષાની તરણ સ્પર્ધા

સિટી ન્યૂઝ@રાજકોટ

અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની સિનિયર સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટના પ્રતિભાશાળી સ્વિમર હીર પિત્રોડાએ શાનદાર પ્રદર્શન કરી ચાર ગોલ્ડ મેડલ મેળવી રાજ્યભરમાં ડંકો વગાડ્યો છે.

કોચ બંકિમ જોષીના માર્ગદર્શન હેઠળ તાલીમ લેતા હીર પિત્રોડાએ ફ્રી સ્ટાઈલ અને બટરફ્લાયની કુલ ચાર ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં તેણે ૫૦ મીટર ફ્રીસ્ટાઈલ ૨૩.૯૬ સેકન્ડમાં, ૧૦૦ મીટર ફ્રીસ્ટાઈલ ૫૨.૮૦ સેકન્ડમાં, ૫૦ મીટર બટરફ્લાય ૨૫.૩૮ સેકન્ડમાં અને ૧૦૦ મીટર બટરફ્લાય ૫૬.૮૦ સેકન્ડમાં પૂર્ણ કરીને તમામ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.

ચારેય ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર હીર પિત્રોડા રાજ્યમાં પ્રથમ ક્રમનો સ્વિમર બનીને વિશેષ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેની આ સિદ્ધિ રાજકોટ તેમજ સમગ્ર રાજ્ય માટે ગર્વની બાબત બની છે.

આ સિદ્ધિ સાબિત કરે છે કે નિરંતર પ્રયત્ન, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. ત્યારે ચાર ઈવેન્ટમાં ૪ ગોલ્ડ મેડલ મેળવનાર હીરે કહ્યું કે, મારી કઠોર મહેનત, યોગ્ય માર્ગદર્શન અને મજબૂત મનોબળથી મને આ પરિણામ મળ્યું છે. હીરની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન તેમજ રાજ્ય સ્વિમિંગ એસોસિએશને તેને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.