Loading Please Wait !!!
સોની બજારમાં દાગીના બનાવતા કારખાનામાં આગ,સિલિન્ડર બ્લાસ્ટ


» મોડી રાત્રે ઘટના ઘટી છતાં શેરીમાં અંદર પહોંચવામાં ફાયર ફાઇટરને મુશ્કેલી

» બ્લાસ્ટ થયો ત્યારે એક શ્રમિક કામ કરતો હતો : મોટી જાનહાનિ ટળી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટની સોની બજારમાં ગતરાત્રિના સમયે વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તબક્કે ACમાં શોર્ટ સર્કિટ થયા બાદ કારખાનામાં રાખેલા ગેસના સિલિન્ડરોમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો ભયાનક હતો કે જાણે કોઈ મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો. જુના રાજકોટની સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. જોકે, ફાયર ફાઈટરોએ મહામેહેનતે પહોંચીને સતત ૩ કલાક સુધી પાણીનો મારો ચલાવી વહેલી સવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલી દેરા શેરીમાં સ્થિત ‘દિયા ગોલ્ડ પોલિશિંગ’ નામના સોનાના દાગીના પોલિશ કરવાના કારખાનામાં ૨૮ મેની મોડીરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધુમાડાના કાળા ગોટેગોટા આશરે ૧ કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કારખાનામાં રાખેલા ગેસ સિલિન્ડર એકપછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા, જેના પ્રચંડ અવાજથી સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અલગ-અlag ટીમ, ‘એ’ ડિવિઝન પોલીસ કાફલો, પીજીવીસીએલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પીજીવીસીએલ દ્વારા સાવચેતીના ભાગરૂપે આખા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે સાંકડી ગલીઓમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખી હતી, જેથી ફાયરના વાહનો આવી શકે. સોની બજાર જૂના રાજકોટ વિસ્તારમાં આવેલી હોવાથી અને તેની શેરીઓ અત્યંત સાંકડી હોવાના કારણે ફાયર ફાઈટરોને અંદર પહોંચવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે ૩ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે, જે જગ્યા પર આગ લાગી ત્યાં સૌથી પહેલા એસીના કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થયું હતું. સોનાના ધરેણાં બનાવવા અને પોલિશિંગની કામગીરી થતી હોવાથી ત્યાં ગેસના ૩ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટની આગ સિલિન્ડર સુધી પહોંચતાં ૨ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયા હતા, જ્યારે ૧ સિલિન્ડરને ફાયર વિભાગે સમયસૂચકતા વાપરીને સળગતી આગમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધો હતો. તહેવારની રજા હોવાથી કારખાનામાં કોઈ હાજર ન હોવાના કારણે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.