Loading Please Wait !!!
સુરેન્દ્રનગર પોલીસનું સફળ ઓપરેશન: લાંબા સમયથી ફરાર ત્રણ આરોપીઓ ઝડપાયા

  • પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ટેકનિકલ સોર્સીસની મદદથી આરોપીઓને પકડ્યા
  • વઢવાણ અને ચોટીલાના પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓ પોલીસના સકંજામાં
  • વિશેષ અભિયાન હેઠળ વઢવાણ, સુરેન્દ્રનગર અને સુરૈઇ ખાતેથી આરોપીઓ ઝડપાયા

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાની ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સીસનો સચોટ ઉપયોગ કરીને વઢવાણ, સુરેન્દ્રનગર અને ચોટીલા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં લાંબા સમયથી ફરાર ત્રણ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સૌપ્રથમ, વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર ચેતનભાઈ ચતુરભાઈ રાઠોડને પોલીસે ભચાઉના શિકરા ખાતેથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ, સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસના પ્રોહિબિશન કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર અસ્લમભાઈ અમિતભાઈ મુલતાનીને તેના જ વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. અંતે, ચોટીલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા ચોથાભાઈ ભનુભાઈ પરમારને પણ પોલીસે સુરૈઈ ગામેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

આ ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ તેમને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપી દઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેરોલ ફર્લો સ્કવોડની આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આ પ્રકારના સર્ચ ઓપરેશન આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.