ભાયાવદરમાં સેક્સ સ્ટેમિનાની દવાના બહાને સાયબર છેતરપિંડી!
-
નકલી ડોક્ટર બનીને લોકો સાથે ઠગાઈ કરતા 10 ઝડપાયા!
-
સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો મૂકીને લાખો પડાવ્યા!
-
ઓર્ડર કેન્સલ કરનારને જેલની ધમકી આપતી ત્રણ ટોળકી!
સિટી ન્યુઝ @ ભાયાવદર
રાજકોટ જિલ્લાના ભાયાવદર પંથકમાંથી સેક્સ સ્ટેમિના વધારવાની દવાઓ વેચવાના બહાને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આચરતાં ત્રણ ગેરકાયદેસર કોલ સેન્ટરોનો ભાયાવદર પોલીસે સફળ પર્દાફાશ કર્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આકર્ષક જાહેરાતો મૂકીને લોકોને ફસાવનાર આ ઠગો ખુદ નકલી ડોક્ટર બનીને આયુર્વેદિક દવાઓના નામે નાગરિકો પાસેથી નાણાં પડાવતા હતા, જે મામલે પોલીસે 10 સાયબર ઠગોની ધરપકડ કરી છે.
ધોરાજી ડિવિઝનના એએસપીના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસે ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરી વિસ્તારમાં દરોડા પાડીને 18 લેપટોપ અને 23 મોબાઈલ ફોન સહિત કુલ ₹5.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ટોળકીઓએ છેલ્લા પાંચ મહિનામાં અંદાજે 2000 લોકોને શિકાર બનાવીને વ્યક્તિ દીઠ ₹1100થી ₹1200 પડાવ્યા છે અને ગ્રાહકોને બીભત્સ સાહિત્ય મોકલીને બ્લેકમેલ કરતા હતા.
ઠગબાજો લોકોમાં વિશ્વાસ બેસાડવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલય અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના બોગસ લોગોનો ઉપયોગ કરતા હતા, હાલ પોલીસે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ભાયાવદરમાં સાયબર ઠગાઈ અને નકલી ડોક્ટરોનું નેટવર્ક
સોશિયલ મીડિયાના યુગમાં લોભામણી જાહેરાતો અને ડિસ્કાઉન્ટની લાલચ આપીને સામાન્ય નાગરિકોને ફસાવવાના કૌભાધો સતત વધી રહ્યા છે. ભાયાવદરમાં સેક્સ સ્ટેમિનાની નકલી દવાઓ વેચવાના બહાને ચાલતા આ ત્રણ ગેરકાયદેસર કોલ સેન્ટરોએ બ્લેકમેલિંગ અને ધમકીઓ આપીને અનેક લોકોને શિકાર બનાવ્યા હતા. સરકારી મંત્રાલયોના બોગસ લોગોનો દુરુપયોગ કરી આચરવામાં આવતી આવી ઠગાઈ સામે નાગરિકોએ પણ અત્યંત સતર્ક રહેવાની જરૂર છે. પ્રશાસન અને પોલીસ દ્વારા લેવાયેલા આ કડક પગલાં સાયબર અપરાધીઓ માટે એક કડક સંદેશો પૂરો પાડે છે.