તોપખાનામાં 700 રૂપિયાની ઉઘરાણી મુદ્દે જૂથ અથડામણ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના તોપખાના વિસ્તારમાં ગઈકાલે રાત્રે ૭૦૦ રૂપિયાની ઉઘરાણી મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પાઈપ અને છરીથી હુમલો થતાં ૨ યુવકો ઘવાયા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ બંને જૂથ આમને-સામને આવી જતા પોલીસનો કાફલો દોડી ગયો હતો. પ્રદ્યુમન નગર પોલીસે બંને પક્ષના ૧૦ શખ્સો વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદમાં દેવરાજ ગૌરીએ જણાવ્યું છે કે, સચિન જેઠવા હર્ષ પાસે ૭૦૦ રૂપિયા માંગતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. આ બાબતે પૂછવા દેવરાજ સહિત ૫ લોકો સચિન પાસે ગયા હતા. ત્યાં સચિને ઉશ્કેરાઈને દેવરાજને છરી મારી હતી, જ્યારે યુવરાજે લોખંડનો પાઈપ માર્યો હતો. આ ઝઘડામાં જીતેન્દ્ર, અલ્કા અને ભાનુએ પણ ભેગા મળી ઢીકાપાટુનો માર માર્યો હતો.
સામા પક્ષે સચિન જેઠવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણે ફોન પર હર્ષ પાટડીયા પાસે ૭૦૦ રૂપિયા માંગતા તેણે ના પાડી ફોન કાપી નાખ્યો હતો. થોડીવારમાં અભિષેક, દેવન, ગોપી, હાર્દિક અને હર્ષ ત્યાં ધસી આવ્યા હતા અને ગાળો આપી હતી. આ દરમિયાન ગોપી ગૌરીએ સચિનને માથામાં લોખંડનો પાઈપ માર્યો હતો અને બાકીના લોકોએ ઢીકાપાટુનો માર માર્યો હતો.
બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ ગજેરાએ આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.