રક્ષાબંધન ઉજવી પરત ફરતા પરિવારને અકસ્માત: પાણીમાં ખાબકતાં મહિલાનું મોત, 4 ઘાયલ
-
માંડવડા ગામે સાસરીમાં રાખડી બંધાવી બોટાદ પરત ફરતી વખતે દડવા ગામ પાસે બની ઘટના
-
સામેથી આવતી પિક-અપ બોલેરો ગાડીએ CNG રિક્ષાને જોરદાર ટક્કર મારી
-
ટક્કર વાગતાં સેજલબેન વાઘેલા પાણી ભરેલા ખાડામાં પડતાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો
સિટી ન્યુઝ @ બોટાદ
રક્ષાબંધન પર્વની ઉજવણી કરીને હર્ષોલ્લાસ સાથે પરત ફરી રહેલા પરિવાર પર અકસ્માત રૂપી આભ તૂટી પડ્યું છે. બોટાદના ધોળા-ગઢડા રોડ પર આવેલા દડવા ગામ પાસે 28 ઓગસ્ટની રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક મહિલાનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
બોટાદના યમુનેશનગરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા વિપુલભાઈ જીણાભાઈ વાઘેલા (ઉં.વ. 32) પોતાના પત્ની સેજલબેન અને ત્રણ બાળકો—દ્રવ્ય (ઉં.વ. 11), નેન્સી (ઉં.વ. 7) અને ખુશી (ઉં.વ. 4) સાથે પોતાની સીએનજી રિક્ષા લઈને પાલીતાણા તાલુકાના માંડવડા ગામે સાસરીમાં રક્ષાબંધન મનાવવા ગયા હતા. ત્યાંથી રાખડી બંધાવી રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે રિક્ષા દ્વારા પરિવાર બોટાદ પરત ફરી રહ્યો હતો.
તે દરમિયાન દડવા ગામ નજીક સામેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ધસી આવેલી પિક-અપ બોલેરો ગાડીના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે રિક્ષામાં સવાર સેજલબેન રોડ સાઈડમાં આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં ફંગોળાઈ ગયા હતા, જ્યાં ડૂબી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રિક્ષાચાલક વિપુલભાઈ તેમજ તેમના ત્રણેય માસૂમ બાળકોને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માત બાદ બોલેરો ચાલક પોતાની ગાડી સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પરિજનો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. મૃતક સેજલબેનના મૃતદેહને ઉમરાળા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો હતો, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વિપુલભાઈ અને ત્રણેય બાળકોને વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરાર બોલેરો ચાલક સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
બોટાદ પાસે અકસ્માતમાં મહિલાનું મોત
રક્ષાબંધનની ઉજવણી કરી પરત ફરતા બોટાદના પરિવારની રિક્ષાને દડવા પાસે બોલેરોએ ટક્કર મારી હતી. અકસ્માતમાં સેજલબેન વાઘેલા પાણીમાં ફંગોળાતાં ડૂબી જવાથી મોત થયું હતું, જ્યારે તેમના પતિ અને 3 બાળકો ગંભીર ઘાયલ થયા છે. પોલીસે ફરાર બોલેરો ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.