જામનગર-લાલપુર હાઇવે પર ભયાનક ત્રિપલ અકસ્માત: કાર રેસિંગમાં રિક્ષા અને બાઇકનો કચ્ચરઘાણ, 3 ના મોત અને 7 ઘાયલ
-
લાલપુર બાયપાસથી ચંગા રોડ પર કિયા અને થાર વચ્ચે બેફામ ઝડપે રેસિંગ દરમિયાન બની ઘટના
-
કિયા કાર ડિવાઇડર કૂદી સામેના ટ્રેક પર ધસી જતાં પેસેન્જર રિક્ષા અને બાઇક સાથે ભીષણ ટક્કર
-
રિક્ષાચાલક ગુલાબભાઈ બારોટ તેમજ બાઇકસવાર નવીન પઠાણ અને નોમન સમાનું સ્થળ પર જ મોત
સિટી ન્યુઝ @ જામનગર
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચંગાના પાટિયા નજીક 30 ઓગસ્ટની મધરાતે આશરે બે વાગ્યાના સુમારે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. થાર અને કિયા કાર વચ્ચે 'કોણ આગળ નીકળે' તેની જીવલેણ હોડ અને બેફામ સ્પીડના કારણે સર્જાયેલા આ અકસ્માતમાં રિક્ષાચાલક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે મહિલાઓ અને માસૂમ બાળકો સહિત સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે લાલપુર સ્થિત પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન અને પ્રસાદ લઈને શ્રદ્ધાળુઓ ઓટોરિક્ષામાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન લાલપુર બાયપાસથી આવી રહેલી કિયા કારના ચાલકે પૂરપાટ ઝડપે કાબૂ ગુમાવતાં કાર રોડનું ડિવાઇડર ટપીને સામેના ટ્રેક પર ધસી ગઈ હતી. કિયા કારે સામેથી આવી રહેલી પેસેન્જર રિક્ષા અને તેની પાછળ આવી રહેલી મોટરબાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રણેય વાહનોનો કુરચો બોલી ગયો હતો.
આ ગોઝારી દુર્ઘટનામાં રિક્ષાચાલક ગુલાબભાઈ બારોટ (ઉં.વ. 60) તેમજ લાલપુરથી જામનગર મેળો જોવા નીકળેલા મોટરબાઇક સવાર બે યુવાન નવીન પઠાણ અને નોમન સમાનું ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. રિક્ષામાં સવાર ધારાબેન, ચંદ્રિકાબેન તેમજ પાંચ માસૂમ બાળકો સહિત 7 ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પંચકોશી બી-ડિવિઝન પોલીસ મથકનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી બેફામ કારચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં 3 મોત
જામનગર-લાલપુર હાઇવે પર ચંગા પાસે કાર રેસિંગના ચક્કરમાં કિયા કાર ડિવાઇડર કૂદી રિક્ષા અને બાઇક પર ખાબકતાં રિક્ષાચાલક ગુલાબભાઈ બારોટ અને 2 બાઇકસવાર યુવાનોના મોત થયા છે. ભોળેશ્વર દર્શનેથી પરત ફરતાં પરિવારના બાળકો સહિત 7 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.