છેલ્લા 20 વર્ષથી ઘરફોડ અને લૂંટના ગુનામાં વોન્ટેડ બે શખસો ઝડપાયા: ભાવનગર LCBની મોટી સફળતા!
-
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આ સઘન કાર્યવાહી કરવામાં આવી છે.
-
બંને આરોપીઓ છેલ્લા બે દાયકાથી પોલીસ પકડથી દૂર નાસતા-ફરતા હતા.
-
દાહોદ જિલ્લા જેલમાં બંધ હોવાની બાતમી મળતા પોલીસે વેરિફિકેશન કર્યું હતું.
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર, ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સના આધારે ઘોઘારોડ, નિલમબાગ અને તળાજા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને લૂંટના ગુનાઓમાં છેલ્લા બે દાયકાથી ફરાર રહેલા બે આરોપીઓનો દાહોદ જેલમાંથી કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બાદમાં બંને આરોપીઓને ભાવનગર લાવી નિલમબાગ અને ઘોઘારોડ પોલીસને સોંપી આપ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે આ મહત્ત્વની સફળતા મેળવી છે. નિલમબાગ, ઘોઘારોડ અને તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તેમજ લૂંટના ગુનાઓમાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતા-ફરતા મધ્યપ્રદેશના બે આરોપી દાહોદ જિલ્લા જેલમાં હોવાની જાણ થતાં પોલીસે ત્યાં પહોંચી કાયદેસરનું વેરિફિકેશન કર્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભારતસિંગ સોલંકી (ઉંમર ૪૦) અને વિવેક ઉર્ફે ગોપી કાલીયા ભગવતી સોલંકી (ઉંમર ૫૦, બંને રહે. બીલાખેડી, મધ્યપ્રદેશ) નો દાહોદ જેલમાંથી કબજો મેળવ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓને ભાવનગર લાવી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે નિલમબાગ અને ઘોઘારોડ પોલીસને સોંપવામાં આવ્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી પોલીસ પકડથી બહાર રહેલા આ રીઢા ગુનેગારો ઝડપાવાથી લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા આ દિશામાં વધુ પૂછપરછ અને તપાસ જારી રાખવામાં આવી છે.