વાપીમાં 5 ઈંચ વરસાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર
સીટી ન્યૂઝ@વાપી
જુલાઈ મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બુધવારે સવારે ૭થી ૧૨ વાગ્યા દરમિયાન રાજ્યના ૪૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં વાપીમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ચલા રોડ, કુંતીગામ રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે રેલવે અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરતમાં ઉધના નજીક રોડ બેસી જતાં એસટી બસ ફસાઈ ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાએ પ્રી-મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઉભા કર્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
નવસારીમાં ૪.૫૩ ઈંચ અને જલાલપોરમાં ૩.૫૦ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૨૮ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત ૨ જુલાઈથી વરસાદનું જોર વધશે અને ૩-૪ જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ વરસાદના આશરે ૮૦ ટકા ઘટાડો નોંધાયો હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.