ભાયલી ગેંગરેપ કેસ: 5 દોષિતોને 31 August ના રોજ પોક્સો કોર્ટ સજા સંભળાવશે
-
પોક્સો કોર્ટે 20 August ના રોજ તમામ 5 આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા
-
ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈએ કાયદા હેઠળ મહત્તમ સજા ફટકારવા દલીલ કરી
-
3 આરોપીઓએ ગેંગરેપ કર્યો અને 2 શખ્સોએ શારીરિક છેડછાડ કરી હોવાનું સાબિત થયું
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરાના અતિ ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં પોક્સો અદાલતે તમામ 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ આજે સજાના મુદ્દે વિસ્તૃત દલીલો પૂર્ણ થઈ ગઈ છે. ખાસ સરકારી વકીલે આરોપીઓના જઘન્ય કૃત્યને ધ્યાને રાખીને તેમને કાયદા હેઠળ મહત્તમ સજા એટલે કે ફાંસીની સજા અથવા તો જિંદગીના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારવા નામદાર કોર્ટ સમક્ષ જોરદાર રજૂઆત કરી છે. પોક્સો કોર્ટ આ કેસમાં આગામી 31 August ના રોજ આખરી સજા સંભળાવશે. સજાની સુનાવણી દરમિયાન તમામ દોષિતોને જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અદાલત સમક્ષ હાજર રાખવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની વિગત મુજબ વર્ષ 2024 માં નવરાત્રીના બીજા નોરતાની રાત્રે એક સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમીને બેઠી હતી, તે દરમિયાન 5 શખ્સોએ ત્યાં આવીને સગીરા સાથે અડપલાં કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હતી. અંદાજે 22 મહિના સુધી ચાલેલી લાંબી કાનૂની લડત બાદ 20 August ના રોજ વડોદરા પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા.
ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈએ અદાલતમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે આ કૃત્ય અત્યંત ઘૃણાસ્પદ અને સમાજ માટે ખતરારૂપ છે. કાયદાની કલમો હેઠળ જે મહત્તમ સજાની જોગવાઈ છે તે જ આરોપીઓને મળવી જોઈએ. જો કોર્ટ ફાંસીની સજા યોગ્ય ન માને તો તમામને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા આપવી અનિવાર્ય છે.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે પ્રોસિક્યુશન પક્ષે ઘટના સાથે જોડાયેલા તમામ સાંયોગિક અને મેડિકલ પુરાવાઓની કડીઓ શંકારહિત રીતે સાબિત કરી બતાવી છે. ગુનામાં શરૂઆતમાં 2 આરોપીઓએ છેડતી કરી હતી અને બાકીના 3 શખ્સોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.
ગુના બાદ આરોપીઓએ પીડિતાનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો અને પુરાવાનો નાશ કરવા માટે તેને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડે નદીમાંથી મોબાઈલ શોધી કાઢીને મહત્વનો ટેકનિકલ પુરાવો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાનીને માન્ય રાખી પાંચેય શખ્સોને દોષિત ઠેરવ્યા છે.
ભાયલી ગેંગરેપમાં 31મીએ સજાનું એલાન
વડોદરાના ચકચારી ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં 5 દોષિતોની સજા પર દલીલો પૂર્ણ થઈ છે. સરકાર પક્ષે આરોપીઓને ફાંસી અથવા છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદ આપવાની માંગ કરી છે. નવરાત્રી 2024 દરમિયાન બનેલી ઘટનામાં 22 મહિના બાદ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. પોક્સો કોર્ટ 31 August ના રોજ આખરી સજાની જાહેરાત કરશે.