Loading Please Wait !!!
સ્માર્ટ મીટરનો વિરોધ ઓગળ્યો: વડોદરાના ધારાસભ્યએ પોતાના ઘરે લગાડ્યું મીટર

  • નાગરિકોના ભ્રમ દૂર કરવા ધારાસભ્યનો પ્રયાસ, ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે લક્ષ્યાંક
  • વીજ બિલમાં રિબેટ અને રિયલ ટાઈમ મોનિટરિંગની સુવિધાથી ગ્રાહકોને મળશે ફાયદો
  • ચેક મીટરની સુવિધાથી દૂર થશે લોકોની શંકાઓ, પારદર્શિતા પર સરકારનો ભાર

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને પ્રવર્તતા વિરોધ અને ભ્રમણાઓને દૂર કરવા માટે ધારાસભ્ય કેયુર રોકડિયાએ પહેલ કરી છે. તેમણે પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવીને નાગરિકોને તેનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સ્માર્ટ મીટરને કારણે વીજ બિલ વધારે આવે છે તેવી અફવાઓ પાયાવિહોણી છે અને ગ્રાહકોની શંકા દૂર કરવા સરકાર દ્વારા જૂના ડિજિટલ મીટરને ચેક મીટર તરીકે રાખવાની સુવિધા આપવામાં આવી છે, જેથી બંનેના રીડિંગની તુલના કરી શકાય.

MGVCL ના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં શહેરના 8.20 લાખ વીજ ગ્રાહકોમાંથી લગભગ 2.50 લાખ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. આ મીટર સામાન્ય રીતે 'બાય ડિફોલ્ટ' પોસ્ટપેડ મોડમાં જ હોય છે, જેથી ગ્રાહકોને અડધી રાત્રે રિચાર્જ કરવાની ચિંતા રહેતી નથી. આ સિસ્ટમ પારદર્શક છે, જ્યાં ગ્રાહકો મોબાઈલ એપ દ્વારા રિયલ ટાઈમ વીજ વપરાશ અને સોલર પેનલથી ઉત્પન્ન થતી વીજળીનું લાઈવ મોનિટરિંગ કરી શકે છે. જે ગ્રાહકો પ્રીપેડ મોડ પસંદ કરે છે તેમને વીજ બિલમાં 3% રિબેટ અને પીક અવર્સ દરમિયાન વપરાશ પર 60 પૈસા પ્રતિ યુનિટની રાહત પણ આપવામાં આવે છે.

ધારાસભ્ય કેયુર રોકડિયાએ ઉમેર્યું કે, ટેક્નોલોજીના ફાયદા સમજાતા હવે લોકો સામે ચાલીને સ્માર્ટ મીટર નંખાવી રહ્યા છે. વડોદરા શહેરને સંપૂર્ણપણે સ્માર્ટ મીટરથી આવરી લેવાનું પ્રાથમિક લક્ષ્ય ડિસેમ્બર 2026 સુધીનું રાખવામાં આવ્યું છે. MGVCL ની પ્રાથમિકતા પહેલા ઔદ્યોગિક અને કોમર્શિયલ ગ્રાહકોની છે અને ત્યારબાદ રહેણાંક વિસ્તારોમાં આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પારદર્શક સિસ્ટમથી ગ્રાહકોને વીજ વપરાશ પર નિયંત્રણ રાખવામાં મદદ મળશે.

 

ગ્રાહકો માટે વિશેષ સુવિધાઓ સ્માર્ટ મીટરથી ગ્રાહકો પોતાના વીજ વપરાશનું રિયલ ટાઈમ મોનિટરિંગ એપ દ્વારા કરી શકે છે. પ્રીપેડ ગ્રાહકોને વીજ બિલમાં 3% રિબેટ મળે છે, જ્યારે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશ પર 60 પૈસા પ્રતિ યુનિટની વધારાની રાહત મળે છે. આ મીટર બાય ડિફોલ્ટ પોસ્ટપેડ હોવાથી રિચાર્જની ઝંઝટ નથી. સોલર પેનલ ધરાવતા ઘરોમાં ઉત્પાદન અને વપરાશની સચોટ માહિતી પારદર્શિતા સાથે મળી રહે છે.