Loading Please Wait !!!
પૂજાના બહાને પાપનો ખેલ: વડોદરામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર પૂજારી જેલભેગો

  • પીડિતાએ હિંમત દાખવી રૂમમાં મોબાઈલ ગોઠવી વીડિયોમાં કેપ્ચર કરી કરતૂત
  • મિત્રની મદદથી પીડિતાએ એકઠા કર્યા મજબૂત પુરાવા, પોલીસને કરી જાણ
  • પોક્સો હેઠળ ગુનો દાખલ, પોલીસની માતા-પિતાને સંવાદ રાખવાની અપીલ

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરામાં માતા-પિતાના અંધવિશ્વાસનો લાભ લઈને એક પૂજારી દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવાની આઘાતજનક ઘટના સામે આવી છે. દીકરીના સ્વભાવમાં રહેલો ગુસ્સો અને ચીડિયાપણું દૂર કરવા માટે માતા-પિતાએ ઘરે પૂજા-વિધિનું આયોજન કર્યું હતું. આ દરમિયાન નરેન્દ્ર ભટ્ટ નામના પૂજારીએ ધાર્મિક વિધિના બહાને સગીરાને અલગ રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ડરી ગયેલી સગીરાએ હિંમત દાખવી મિત્રની મદદ લીધી અને બીજી વખત પૂજારીની આ કરતૂતને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી.

DCP ઝોન-૨ મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, પીડિતાએ તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશન આવીને સમગ્ર હકીકત જણાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પૂજારી નરેન્દ્ર ભટ્ટ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી કોઈ નાનકડા મંદિર સાથે જોડાયેલો હતો. માતા-પિતા તેને વાયા-વાયા ઓળખતા હોવાથી તેના પર વિશ્વાસ મૂક્યો હતો, જેનો તેણે ગેરલાભ ઉઠાવ્યો હતો.

આ ઘટના બાદ પોલીસ તંત્રએ વાલીઓને ચેતવણી આપી છે કે તેઓ બાળકો સાથે હેલ્ધી કમ્યુનિકેશન રાખે જેથી બાળકો પોતાની વાત કોઈપણ સંકોચ વગર કહી શકે. જો દીકરીએ હિંમત ન કરી હોત તો કદાચ આ દુષ્કર્મી પૂજારી હજુ પણ અન્ય પરિવારનો શિકાર કરી રહ્યો હોત. પોલીસે દીકરીની હિંમતને બિરદાવી છે અને અન્ય દીકરીઓને પણ અન્યાય સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે.

કેસની ગંભીરતા અને શીખ

માતા-પિતાએ દીકરીના સ્વભાવને સુધારવા અંધશ્રદ્ધાનો આશરો લીધો હતો, જેનો પૂજારીએ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરવા માટે ઉપયોગ કર્યો. સગીરાએ મિત્ર સાથે મળીને કરેલું આયોજન અને પુરાવા એકત્રિત કરવાની તેની સમજદારીએ આ કિસ્સામાં મોટો તફાવત ઉભો કર્યો છે. પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે ટીનએજ બાળકો સાથે સંવાદ રાખવો એ અત્યંત આવશ્યક છે.