Loading Please Wait !!!
કમિશનરને રજૂઆત બાદ ભક્તિનગર અને વાણિયાવાડીના ફુવારા ફરી શરૂ

  • લોક સંસદ વિચાર મંચ દ્વારા કરાયેલી રજૂઆતને મોટી સફળતા
  • કાળઝાળ ગરમીમાં બંધ ફુવારાઓ શરૂ થતા લોકોને મળશે રાહત
  • તંત્રની બેદરકારી અંગે આકરા પ્રહારો કરી તમામ ફુવારા શરૂ કરવા માંગ

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે શહેરીજનો રાત્રે પરિવાર સાથે હરવા-ફરવા નીકળતા હોય છે, ત્યારે શહેરની શાન ગણાતા ફુવારાઓ બંધ હાલતમાં હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે લોક સંસદ વિચાર મંચ દ્વારા મનપા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવતા આખરે તંત્ર જાગ્યું છે અને ભક્તિનગર સર્કલ તથા વાણિયાવાડી બગીચાના ફુવારાઓ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.

સંસ્થાના ગજેન્દ્રસિંહ ઝાલા, ઇન્દુભા રાઓલ, દિલીપ આસવાણી, નાગજી વિરાણી, હિંમત લાબડીયા અને નટુભા ઝાલાએ આક્ષેપ કર્યો હતો કે મનપાના અધિકારીઓ વિદેશમાં બગીચાના અભ્યાસ માટે જાય છે, પરંતુ રાજકોટના ફુવારાઓ ભંગાર અને હાડપિંજર સમાન બની ગયા છે. ગાર્ડન, ટ્રાફિક, રોશની અને બાંધકામ વિભાગ વચ્ચે સંકલનના અભાવે ફુવારા સુકાઈ ગયા હતા અને રેસકોર્સના મ્યુઝિકલ ફુવારાનું પણ કોઈ નામોનિશાન બચ્યું નથી.

બંધ ફુવારા મામલે ગત 30 એપ્રિલ 2026 ના રોજ મનપા કમિશનર તુષાર સુમેરાને લેખિત રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત વોર્ડ નંબર 14 ના નવનિયુક્ત કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી હતી. આખરે આ રજૂઆતના સાર્થક પડઘા પડ્યા છે અને બંને સ્થળોએ ફુવારા શરૂ થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 1 કે 2 દિવસમાં તેનું જરૂરી મેન્ટેનન્સ પણ પૂર્ણ કરી લેવામાં આવશે.

  • શહેરના તમામ ફુવારા તાત્કાલિક શરૂ કરવા માંગલોક સંસદ વિચાર મંચે કમિશનરનો આભાર વ્યક્ત કરવાની સાથે ઉગ્ર માંગ ઉઠાવી છે કે, જવાબદાર તંત્રવાહકોની લાપરવાહીના કારણે બંધ પડેલા શહેરના તમામ 12 જેટલા ફુવારાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અને આ બાબતે જવાબદારી ફિક્સ કરવામાં આવે. તમામ વોર્ડના કોર્પોરેટરો સક્રિય બનીને પ્રજાને ઠંડક મળે તેવા પ્રયાસો કરે તેમજ મોટા સર્કલો પર આધુનિકીકરણ સાથેના નવા ફુવારાઓ બનાવવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.