અમેરિકાની વર્ક પરમિટના નામે નડિયાદની મહિલા સાથે 4.77 લાખની ઠગાઈ
-
ગેંડા સર્કલ પાસે ઓફિસ ધરાવતા હેમલ ઉર્ફે ભયલુ પટેલે નાણાં પડાવ્યા
-
વિઝા ન થતાં 1 લાખ પરત કર્યા, બાકીના 4.77 લાખ આપવા અંગે હાથ ઊંચા કર્યા
-
નડિયાદની 30 વર્ષીય પૂજા દેસાઈએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સિટી ન્યુઝ @ વડોદરા
વિદેશમાં નોકરી મેળવવા માંગતા યુવાનો અને નાગરિકો સાથે વિઝા કન્સલ્ટન્સીના નામે છેતરપિંડી થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વડોદરામાં વધુ એક વિઝા ફ્રોડની ગંભીર ઘટના સામે આવી છે. અમેરિકાની વર્ક પરમિટ અપાવવાના બહાને નડિયાદની એક મહિલા સાથે રૂ. 4.77 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. વડોદરાના ગેંડા સર્કલ નજીક કાર્યરત બ્લોસમ ગ્રુપના સંચાલક સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ ખાતે રહેતી 30 વર્ષીય પૂજા દેસાઈ વિદેશમાં નોકરી અર્થે સારી વિઝા કન્સલ્ટન્સીની શોધમાં હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બ્લોસમ ગ્રુપની જાહેરાત જોઈને આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. બ્લોસમ ગ્રુપના સંચાલક હેમલ ઉર્ફે રૂદ્ર ઉર્ફે ભયલુ નરેન્દ્ર પટેલે પૂજાને વડોદરા ખાતે ગેંડા સર્કલ નજીક આવેલી પોતાની ઓફિસે બોલાવી હતી. ત્યાં અમેરિકાના વર્ક પરમિટ વિઝા માટે કુલ રૂ. 8 લાખનો ખર્ચ થશે અને શરૂઆતમાં રૂ. 6 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું.
હેમલ પટેલની વાતોમાં આવી જઈને પૂજાએ ડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન અલગ-અલગ હપ્તામાં કુલ રૂ. 5.77 લાખ બ્લોસમ ગ્રુપના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ 3 મહિનામાં યુએસ વર્ક પરમિટ કરાવી આપવાની ખાતરી આપી હતી. જોકે લાંબો સમય વીતી જવા છતાં વિઝા અંગે કોઈ કામગીરી ન થતાં પૂજાએ વારંવાર પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ સંચાલક વાયદાઓ કરીને સમય પસાર કરતો રહ્યો હતો.
આખરે શંકા જતાં પૂજા વડોદરા સ્થિત ઓફિસે પહોંચી ત્યારે ઓફિસને તાળાં લાગેલાં જોવા મળ્યાં હતાં. વધુ તપાસ કરતાં બહાર આવ્યું હતું કે આરોપીએ અન્ય અનેક લોકો પાસેથી પણ વિદેશ મોકલવાના નામે લાખો રૂપિયા ઉઘરાવીને ઓફિસ બંધ કરી દીધી હતી. સતત દબાણ બાદ આરોપીએ માત્ર રૂ. 1 લાખ પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂ. 4.77 લાખ પચાવી પાડ્યા હતા.
સમગ્ર મામલે પીડિત મહિલાની લેખિત ફરિયાદના આધારે ગોરવા પોલીસે હેમલ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે બેંક ખાતાની વિગતો અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર સંચાલકને ઝડપી લેવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
યુએસ વર્ક પરમિટના નામે મહિલા સાથે 4.77 લાખની ઠગાઈ
નડિયાદની પૂજા દેસાઈ સાથે વડોદરાના બ્લોસમ ગ્રુપના સંચાલક હેમલ પટેલે અમેરિકાની વર્ક પરમિટના નામે રૂ. 5.77 લાખ પડાવી છેતરપિંડી કરી હતી. વિઝા ન થતાં ઓફિસ બંધ કરી દીધી હતી અને માત્ર 1 લાખ પરત કરી બાકીના 4.77 લાખ પચાવી પાડ્યા હતા. આ મામલે ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.