ભાવનગરમાં યલો એલર્ટ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી: વલ્લભીપુરમાં પોણો ઈંચ વરસાદ!
-
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે ભાવનગરને યેલો એલર્ટ અપાયું છે.
-
સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદનું આગમન થતાં તાપમાન ઘટ્યું.
-
શહેરના સુભાષનગર, ઘોઘા સર્કલ અને વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો.
સિટી ન્યુઝ @ ભાવનગર
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે ભાવનગરને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લામાં અમુક સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદી માહોલ છવાતા સવારથી ધીમીધારે વરસાદનું આગમન થયું છે, જેના કારણે ગરમીમાં મહદઅંશે રાહત અનુભવાઈ છે.
આજે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, મહેસાણા તથા બનાસકાંઠામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહેતા હતા પરંતુ મેઘો વરસતો નહોતો, ત્યારે આજ સવારથી આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહ્યું અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા, કાળાનાળા, રૂપાણી સર્કલ, વાઘાવાડી રોડ, કળિયાબીડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લામાં સવારના ૬ થી સવારના ૧૦ કલાક સુધીના વરસાદના આંકડા મુજબ, વલ્લભીપુરમાં ૨૦ મિમી, ઉમરાળામાં ૦ મિમી, ભાવનગરમાં ૧૪ મિમી, ઘોઘામાં ૭ મિમી, સિહોરમાં ૧૫ મિમી, ગારીયાધારમાં ૧ મિમી, પાલીતાણામાં ૧ મિમી, તળાજામાં ૨ મિમી, મહુવામાં ૧૩ મિમી તથા જેસરમાં ૧ મિમી વરસાદ વરસી ગયો છે. આમ જિલ્લાના ૧૦ તાલુકામાંથી ૯ તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડ્યો હતો જ્યારે ઉમરાળા તાલુકો કોરો રહ્યો હતો.
આવનારા દિવસોમાં પણ વાતાવરણમાં આ પ્રકારની જ સ્થિતિ રહી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે.
ભાવનગરમાં વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું
સવારથી શરૂ થયેલા આ ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લાંબા સમયથી ઉકળાટ અનુભવી રહેલા નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.