Loading Please Wait !!!
સરકાર સામે ‘આપ’ મેદાનમાં

ચૈતર વસાવાના સમર્થનમાં 4 રાજ્યોમાં આદિવાસીઓનું સંમેલન

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જનસભાનું આયોજન

સિટી ન્યૂઝ@નર્મદા

ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા પડયા બાદ આદિવાસી વિસ્તારમાં મોટા આંદોલનનો સળવળાટ શરૂ થયો છે અને આગામી તા. બીજી જુલાઈના રોજ ચાર રાજ્યોના આદિવાસીઓના સંમેલનનું આયોજન કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

આગામી ૨ જુલાઈએ વિશાળ "સામાજિક જનસમર્થન સભા" યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ડેડિયાપાડામાં આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ૨ જુલાઈ, ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે શાંતિપૂર્ણ રીતે સામાજિક જનસભાનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા સહિત સજા પાગેલા નવ લોકોને ન્યાય મળે તે મુદ્દે અવાજ ઉઠાવવામાં આવશે. બેઠક બાદ આદિવાસી સમાજના યુવા નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી સતત ફોન આવી રહ્યા હતા અને લોકો સમર્થન કાર્યક્રમ અંગે માહિતી મેળવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે હવે તમામ સામાજિક આગેવાનોની સહમતીથી ૨ જુલાઈએ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના તમામ લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ રાજકીય આગેવાનોને તેમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ચૈતર વસાવા સામે નોંધાયેલા કેસો અને એફઆઈઆર તેમજ કોર્ટના ચુકાદા બાદ પ્રશાસનના વલણને લઈને સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આ મુદ્દે લોકો સ્વયંભૂ રીતે સમર્થન આપવા આગળ આવી રહ્યા છે અને તેથી મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે.

 

  • AAP સ્ટેટ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારનો આરોપ
  • PMJAY કાર્ડના નવા નિયમોથી દર્દીઓ પરેશાન : હોસ્પિટલો કરી રહી છે મનમાની
  • આવકના દાખલાથી ઝંઝટમાં હજારો આયુષ્માન કાર્ડ બંધ

સિટી ન્યૂઝ@ગાંધીનગર

આમ આદમી પાર્ટી ગુજરાત સ્ટેટ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે એક વિડિયો દ્વારા ભાજપ સરકારની આરોગ્ય નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, આજે એક ચોંકાવનારો વિષય સામે આવ્યો છે. PM-JAY યોજનામાં કાર્ડની વેલિડીટી પૂરી થઈ જવાના લીધે અનેક ગરીબ દર્દીઓના કાર્ડ બંધ થઈ ગયા છે. કાર્ડ બંધ થવાને કારણે ગરીબોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ઈમરજન્સીના સમયે પણ તેમને સારવાર મળતું નથી. હોસ્પિટલો દ્વારા પહેલા કાર્ડ રિન્યુ કરાવવાનો આગ્રહ રાખીને મનમાની કરવામાં આવી રહી છે, જેનાથી જાનહાનિ થવાનો સીધો ફાયદો થઈ રહ્યો છે.

તેમણે પંજાબની 'આપ' સરકારનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે કોઈપણ રોગ કે હોસ્પિટલની મર્યાદા વિના ૧૦ લાખ સુધીની મફત આરોગ્ય સેવાઓ આપતું કાર્ડ બનાવ્યું છે. ત્યાં કોઈ જટિલ નિયમો કે આવકના દાખલાની વેલિડિટીની ઝંઝટ નથી. શું ભાજપ સરકાર આવી લોકઉપયોગી વ્યવસ્થા કરી શકશે? ના, કારણ કે ભાજપ સરકાર માત્ર કમાણી કરવામાં અને ઇન્સ્યોરન્સ કંપનીઓને ફાયદો કરવામાં વ્યસ્ત છે. વિનોદ પરમારે હોસ્પિટલોની પોલીસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ યોજના સંપૂર્ણપણે ઇન્સ્યોરન્સ બેઝ્ડ હોવાથી હોસ્પિટલો મનમાની કરે છે. દર્દી દાખલ થાય ત્યારે એપ્રૂવલ આપવામાં ૩-૪ દિવસ લાગે છે અને ડિસ્ચાર્જ વખતે પણ એપ્રૂવલ મંજૂરી નથી આવતી તેમ કહીને ગરીબ દર્દીઓને અટકાવી રાખવામાં આવે છે, જેના કારણે દર્દીઓએ પોતાના ગજવામાંથી પૈસા ચૂકવવા પડે છે. જો સરકાર ખરેખર ગરીબોનું ભલું ઈચ્છતી હોય તો પંજાબ સરકારની જેમ ૧૦ લાખની મર્યાદાવાળું અને કોઈ પણ નિયમોના બંધન વગરનું કાર્ડ લોન્ચ કરવું જોઈએ. હવે જનતાએ જાગૃત થઈને આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.