અંબિકા ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ શરૂ
» કરણપરા ગરબી ચોક ખાતે ૪ અને ૫ જૂને જરૂરિયાતમંદોને અપાશે લાભ
» ફુલસ્કેપ ચોપડા અને સ્ટાન્ડર્ડ કંપનીની સ્ટેશનરી પર 20 ટકા ડિસ્કાઉન્ટ
» સાંસદ, ધારાસભ્યો અને ભાજપ અગ્રણીઓએ કરાવ્યો વિતરણનો પ્રારંભ
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત પૂરી પાડવાના હેતુથી અંબિકા ટ્રસ્ટ, કરણપરા ગરબી ચોક દ્વારા એક પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને રાહતભાવે ફુલસ્કેપ ચોપડા તેમજ સારી સ્ટાન્ડર્ડ કંપનીની સ્ટેશનરી MRP થી ૨૦ ટકા ડિસ્કાઉન્ટથી આપવાનું શરૂ કરાયું છે.
આ રાહતદરના વિતરણનો પ્રારંભ ૪ જૂન ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યો છે અને તે ૫ જૂન સુધી ચાલશે. આયોજકોના જણાવ્યા મુજબ શરૂઆતમાં જ અંદાજે ૨૦૦૦ જેટલા કુટુંબોએ આ યોજનાનો લાભ લીધો હતો.
આ વિતરણ કાર્યક્રમનો શુભારંભ અનેક રાજકીય અને સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશિક ચાવડા, મેહુલ નથવાણી, શહેર ભાજપ મહામંત્રી યોગેશસિંહ જાડેજા અને પૂર્વ દંડક મનીષ રાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વોર્ડ નંબર ૭ ના કોર્પોરેટર વર્ષા પાંધી, ખ્યાતિ ગોહેલ, દર્શન પંડ્યાતર, નીતા લાલ, રઘુવંશી સમાજના અગ્રણી હસુ ભગદેવ, શૈલેષ પાબારી, હસુ ચંદારાણા, જલારામ ચીકીવાળા પ્રકાશ ચૌહાણ, સોની સમાજના અગ્રણી વિનુ પારેખ, એ-ડિવિઝન પીઆઈ જે. વી. ધોઢિયા અને એએસઆઈ ભરતસિંહના હસ્તે ચોપડા અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે ૪ જૂન અને આવતીકાલે ૫ જૂન એમ ૨ દિવસ સુધી આ વિતરણ કાર્યક્રમ ચાલશે. આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓના વાલીઓને આ રાહતદરની યોજનાનો મહત્તમ લાભ લેવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી અંબિકા ટ્રસ્ટ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.