હિંમત હોય તો દરબારમાં આવો વિરોધીઓને ‘બાબા’ ની ચેલેન્જ
=> ખુલ્લુ આમંત્રણ : ધીરેન્દ્ર શાસ્ત્રીનું એલાન : વાત નહીં, હવે પ્રૂફ આપો
=> ત્રણ વર્ષમાં બીજી વાર બાબા બાગેશ્વર રાજકોટ આવશે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
૪ જૂનથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં ૫ થી ૭ જૂન દરમિયાન ‘સનાતન સેતુ હનુમાન કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, બાબા બાગેશ્વર રાજકોટ પધારે તે પહેલા જ તેની કથાને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. સામાજિક આગેવાન પરસોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, ચમત્કાર, તાંત્રિક વિદ્યા કે મેલીવિદ્યા જેવું કશું હોતું નથી. મારી પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ. પીપળીયાના આ નિવેદન બાબતે આયોજક દ્વારા બાબા બાગેશ્વરનું ધ્યાન દોરવામાં આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પડકાર ફેંકનારા લોકોને દરબારમાં આવવા આમંત્રણ આપ્યું છે.મંગેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ ૫,૬, અને ૭ જૂનના રોજ ત્રણ દિવસ સનાતન સેતુ હનુમાન કથાનું દિવ્ય કરવામાં આવ્યું છે જેમાં બીજા દિવસે એટલે કે ૬ જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. આ કથાનું આયોજન હિન્દુ સમાજને સંગઠિત બનાવવાની નેમ સાથે કરવામાં આવી રહ્યું છે. આયોજકોનું કહેવું છે કે સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ ભર્યો અનેરો અવસર આવ્યો છે ત્યારે હિન્દૂ ધર્મપ્રેમી ભક્તો સહ પરિવાર જોડાશે તેવો અમને વિશ્વાસ છે. વિરોધીઓને જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં કેટલાક વિરોધીઓ ખોટા નિવેદનો કરી રહ્યા છે. વિરોધ કરતા લોકોએ ૨૦૨૩માં પણ બાબાના આગમન પૂર્વે વિરોધ કર્યો હતો એ જ રીતે આ વર્ષે પણ વિરોધ કરી રહ્યા છે. પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ આ અંગે જાણ કરવામાં આવતા તેઓએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જેમને ચેલેન્જ કરવી હોય તે કરે અને રૂબરૂ દરબારમાં આવી શકે છે.
હિન્દુઓમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, સમાજના સકારાત્મક મૂલ્યો, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો લોકોમાં સંચાર થાય અને સનાતન ધર્મની ધ્વજા ફરકતી રહે તે માટે બાબા બાગેશ્વર દેશ અને દુનિયામાં ભ્રમણ કરી રહ્યા છે જે અંતર્ગત જૂન ૨૦૨૩ બાદ ફરી જૂન ૨૦૨૬માં તેઓ રાજકોટ આવી રહ્યા છે. રાજકોટમાં કથા ગ્રાઉન્ડ બેઠક વ્યવસ્થામાં ૨૪ ખંડમાં વિભાજિત કરવામાં આવી છે એક ખંડમાં ભારતીય બેઠક પ્રમાણે ૧૮૦૦ લોકોનો સમાવેશ થઈ શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કથામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે આયોજન કરી રાજકોટ રેસકોર્સ રીંગરોડ પર ફન વર્લ્ડ ગ્રાઉન્ડની બાજુમાં ગેટ નંબર ૧ અને ૨ જાહેર જનતા માટે, પોલીસ હેડ ક્વાર્ટર પાસે ગેટ નંબર ૩ સાધુ-સંતો અને આમંત્રિત મહેમાનો માટે જ્યારે મહિલા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગેટ નંબર ૪ પ્રોટોકોલ માટે, જૂના એરપોર્ટ સામે ગેટ નંબર ૫ અને બાલભવન ગેટ નંબર ૬ જાહેર જનતા માટે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ રીતે પાર્કિંગ માટે ભક્તોને અગવડ ન પડે તે માટે ચૌધરી હાઈસ્કૂલ, પોલીસ હેડ ક્વાર્ટર અને રિલાયન્સ ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
કથાશ્રવણ માટે આવનારા ભક્તોને ઈંધણ બચાવવા અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં રાખી વર્તમાન પરિસ્થિતિમાં કથા શ્રવણ માટે આવતાં ભક્તો એકલા વાહન ધરાવવાના બદલે શેરીંગ સિસ્ટમથી વાહનોનો ઉપયોગ કરે જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય તેવી સુધી ઈ.વી. વાહનોનો વપરાશ કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મનપા તંત્ર સાથે સંકલન કરી કથા સ્થળે આવવા-જવા માટે ઈ.વી. બસોના ખાસ રૂટ શરૂ કરાવવા પ્રયાસો કરવામાં આવશે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને એરપોર્ટ પર આગમનથી કથા સ્થળ સુધી સ્વાગત યાત્રામાં તમામ ઈ.વી. વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે. કથા નિમિત્તે સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડીઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે એટલે કે તા. ૪ જૂનના દિવસે રાજકોટ શહેરના ૧૦ ઝોનમાં જે તે વિસ્તારના ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા વિસ્તાર પૂરતી કળશ પાત્રા રાખવામાં આવશે અને બધા વિસ્તારની કળશ યાત્રાના આયોજન થનાર છે.