આજથી બાબા બાગેશ્વરનો દરબાર...
=> રેસકોર્સ મેદાનમાં 3 દિવસ ચાલશે બાબા બાગેશ્વરની સનાતન હનુમંત કથા
=> દરરોજ સાંજે 7 થી 11 કલાક સુધી યોજાશે કથા અને દિવ્ય દરબાર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના હાર્ડસમા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી એટલે કે ૫ જૂનથી ૭ જૂન સુધી બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અને ‘સનાતન સેતુ હનુમંત કથા’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમને લઈને સૌરાષ્ટ્રભરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી પ્રબળ શક્યતા છે.
આ ઐતિહાસિક ધાર્મિક મહોત્સવ ત્રણેય દિવસ (૫, ૬ અને ૭ જૂન) દરરોજ સાંજે ૭ વાગ્યાથી શરૂ થઈને રાત્રે ૧૧ વાગ્યા સુધી યોજાશે. આ કથા અને દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોની આધ્યાત્મિક અને શારીરિક સમસ્યાઓ સાંભળશે અને હનુમાન ભક્તિનો મહિમા સમજાવશે. સનાતન ધર્મનો પ્રચાર કરવા અને હિન્દુ સમાજને સંગઠિત કરવાના આશયથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
દિવ્ય દરબાર અને કથાની સત્તાવાર શરૂઆત પહેલાં રાજકોટ શહેરના અલગ-અલગ ૧૨ ઝોનમાં ભવ્ય કળશ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ધર્મપ્રેમીઓ જોડાશે. પેટ્રોલ-ડીઝલ બચાવવાના સંદેશ સાથે એક મોટી યાત્રાના બદલે ૧૨ અલગ ઝોનમાં કળશ યાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો છે.
પર્યાવરણની જાળવણી અને આધુનિકતાને ધ્યાને રાખીને આયોજકો દ્વારા એક અનોખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના એરપોર્ટ આગમનથી લઈને કથા સ્થળ સુધીના સમગ્ર કાફલામાં અને સ્વાગત યાત્રામાં માત્ર ઇલેક્ટ્રિક (EV) કારનો જ ઉપયોગ કરવામાં આવશે, જે અન્ય ધાર્મિક આયોજનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
રાજકોટ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ
આ ભારે વિરોધ અને વિવાદને જોતા રાજકોટ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, વિરોધ વચ્ચે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ છે અને દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન શું વળાંક લે છે.