બાલાજી વેફર્સના પ્રદૂષિત પાણથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થવાના આરે
- ફેક્ટરીનો તાંડવ : વડવાજડી, વીરડા વાજડી, વાજડીગઢ, વેજગામ, રોણકી, ઈશ્વરીયા, હરિપર ગામોની સ્થિતિ ભયાનક બની રહી છે
- ખેડૂતોની આજીવિકા છીનવાશે ? તંત્રનો ઢોંગ, નેતાઓ મૌન, મરતું ગામ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ નજીક આવેલી જાણીતી બાલાજી વેફર્સ ફેક્ટરી હવે વિકાસનું નહીં, વિનાશનું પ્રતિક બની રહી છે. ફેક્ટરીમાંથી છોડાતા ગંદા અને કેમિકલયુક્ત પાણીના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયાનક પર્યાવરણીય કટોકટી ઊભી થઈ છે. વડવાજડી સહિત સાત જેટલા ગામો આજે ઝેરી પાણીના કબજામાં છે અને તંત્ર મૌન છે.
ગ્રામજનોના ગંભીર આક્ષેપ મુજબ, કંપની કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ કર્યા વગર દૂષિત પાણી સીધું નદીઓ અને ખેતરોમાં છોડે છે. પરિણામે કુદરતી જળસ્ત્રોતો હવે જીવનદાતા નહીં, પણ ઝેરના સ્ત્રોત બની ગયા છે. વડવાજડી, વીરડા વાજડી, વાજડી ગઢ, વેજગામ, રોણકી, ઈશ્વરીયા અને હરિપર આ બધા ગામોમાં બોરવેલનું પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યું છે. લોકો પીવા માટે મજબૂર છે એ જ પાણી, જે તેમના સ્વાસ્થ્ય માટે ખતરો છે.
જમીનની ફળદ્રુપતા નષ્ટ થવાના આરે છે. ખેડૂતો માટે આ માત્ર નુકસાન નથી. આ તો તેમના જીવન પર સીધો હુમલો છે. પાક બગડી રહ્યા છે, આવક થઈ રહી છે અને પશુપાલન પણ હવે જોખમમાં છે. ગામના પશુઓ ઝેરી પાણી પીવા મજબૂર છે, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ દિવસેને દિવસે વધતી જાય છે.
સ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કર્યો છે કે કંપની CSRના નામે માત્ર દેખાવ કરે છે, જ્યારે હકીકતમાં ગામોનું જીવન દુઃખમય બનાવી દીધું છે. આ દ્વિચારી નીતિ હવે સહનથી બહાર છે. લોકોમાં Gujarat Pollution Control Board અને રાજકીય નેતાઓ સામે પણ ભારે રોષ છે. આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે અને નેતાઓ ફક્ત ચૂંટણી વખતે જ દેખાય છે. બાકી સમય મોટા ઉદ્યોગગૃહો સામે નતમસ્તક થઈ જાય છે.
આ પરિસ્થિતિ હવે ચેતવણી નહીં, પણ એલાર્મ છે. જો તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય, તો આવનારા સમયમાં આ આખો વિસ્તાર રહેવાલાયક નહીં રહે. પ્રજાનો સીધો સવાલ છે. શું વિકાસના નામે ગામોને ઝેર પીવડાવવાનું જ ચાલુ રહેશે? હવે નિર્ણય તંત્રના હાથમાં છે. પ્રજાને બચાવો કે પછી આ વિનાશના સાક્ષી બનીને બેસી રહો!