બાલાજી વેફર્સનો ઝેરી ખેલ
» કેમિકલ પાણીથી 12 ગામડાં બરબાદ તંત્ર ઘૂંટણિયે?
» પ્રદુષણનો મહાકાંડ; સામે GPCBની શરમજનક ચૂપકેદી !
» અધિકારીઓએ ગ્રામલોકોની ફરિયાદ બાદ તપાસના આદેશ આપી સંતોષ માની લીધો
» વેફર્સનો સ્વાદ મસાલેદાર, પણ પાણી બન્યું જાનલેવા; લોકો ચીસો પાડી રહ્યા છે !
» જનતા પ્રદૂષણથી ત્રાહીમામ, પણ અધિકારીઓ ક્યારે એક્શન લેશે?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની પ્રખ્યાત બાલાજી વેફર્સ ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે આસપાસના ૧૨ ગામના રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે, પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓ જાણે કાનમાં તેલ નાખીને સૂતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ફેક્ટરીમાંથી બેફામ રીતે છોડવામાં આવતા આ દૂષિત પાણીથી આખું વાતાવરણ ઝેરી બની ગયું છે, છતાં પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં આપણા સરકારી બાબુઓ સાવ ‘કાચા’ સાબિત થયા છે.
અહેવાલો વહેતા થયા બાદ જાગેલા GPCB ના સાહેબોએ મોટું તીર માર્યું હોય તેમ માત્ર ‘તપાસના આદેશ’ આપીને કાગળ પર સંતોષ માની લીધો છે, જાણે આદેશ આપતાની સાથે જ બધું પાણી આપોઆપ ચોખ્ખું થઈ જવાનું હોય ! હવે સવાલ એ થાય છે કે સાહેબ, આદેશ તો આપી દીધા, પણ અસલી કાર્યવાહી ક્યારે થશે? શું ૧૨ ગામના નિર્દોષ લોકોને આ ભયંકર પ્રદૂષણમાંથી ક્યારેય મુક્તિ મળશે કે પછી ફેક્ટરીના માલિકો સામે અધિકારીઓ આમ જ ઘૂંટણિયે પડેલા રહેશે?
સ્થાનિક લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે વેફર્સનું પેકેટ તો ‘મસાલેદાર’ હોય છે, પણ તેના પાણીએ આખા પંથકની જીંદગીમાં એવો ઝેરી મસાલો ભેરવ્યો છે કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હવે જોવાનું એ રહે છે કે આ આળસુ તંત્ર માત્ર કાગળિયા દોડાવવાનું બંધ કરીને બાલાજી વેફર્સ સામે ક્યારે કોઈ નક્કર અને કડક કાનૂની કાર્યવાહી કરવાની હિંમત બતાવે છે.