Loading Please Wait !!!
અબુધાબીના BAPS હિન્દુ મંદિરને પ્રતિષ્ઠિત ટોલરન્સ એવોર્ડ એનાયત

» આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વૈશ્વિક સહિષ્ણુતા અને શાંતિ માટે અપાયું સન્માન

» બ્રહ્મવિહારી સ્વામીએ કુટુંબ, આસ્થા અને AI ટેકનોલોજી અંગે વક્તવ્ય આપ્યું

સિટી ન્યૂઝ@અબુધાબી

બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીને ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT ૨૦૨૬) માં પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર એવી સંસ્થાઓ અને વ્યક્તિઓને અર્પણ કરવામાં આવે છે, જેમનું કાર્ય વૈશ્વિક સહિષ્ણુતા, પારસ્પરિક આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. કોન્ફરન્સની સાયન્ટિફિક કમિટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગદાનના આધારે આ પસંદગી કરવામાં આવી છે.

આ પુરસ્કાર UAE અને તેની બહાર સૌહાર્દ, સંવાદ અને સામાજિક એકતા કેળવવામાં મંદિરના અસાધારણ યોગદાનની સ્વીકૃતિ સમાન છે. ફેસ્ટિવલ ઓફ હાર્મોની, ઓમસીયત તેમજ કોવિડ કટોકટીના સમયમાં ‘કેર ઈન ક્રાઈસીસ’ જેવા રાહતકાર્યોને બિરદાવવામાં આવ્યા છે. આ એવોર્ડ હજારો સ્વયંસેવકોના સામૂહિક પ્રયાસ અને અસંખ્ય મુલાકાતીઓની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. મંદિરમાં દરેક સંસ્કૃતિ અને આસ્થાના લોકો સ્વાગત અને આદરનો અનુભવ કરે છે.

આ કોન્ફરન્સનું આયોજન એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ (ESCRS) અને અબ્રાહમિક ફેમિલી હાઉસ દ્વારા કરવામાં આવ્યું હતું. UAE દ્વારા ૨૦૨૬ ને “યર ઓફ ધ ફેમિલી” જાહેર કરાયું છે. ‘નવા માધ્યમો અને AI નો કુટુંબ અને સમાજ પર પ્રભાવ’ વિષય પર કેન્દ્રિત આ પરિષદમાં વિશ્વભરના નિષ્ણાતો, સરકારી અધિકારીઓ અને સામાજિક આગેવાનો એકત્ર થયા હતા. ESCRS ના ચાન્સેલર ડો. અબ્દુલ્લા બલહૈફ અલ નુઐમી અને ડો. ખલીફા અલ ઝાહેરીના હસ્તે આ સન્માન સ્વીકારતાં બીએપીએસ હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે પ્રમુખસ્વામી મહારાજના ‘ઘરસભા’ ના વિશિષ્ટ સંદેશનું સ્મરણ કરી જણાવ્યું કે સશક્ત સમાજ સશક્ત કુટુંબ પર આધારિત છે. તેમણે ટેકનોલોજીના યુગમાં અર્થપૂર્ણ સંબંધોનું મહત્વ સમજાવતા કહ્યું કે, સમાજને માત્ર AI પાવર્ડ નહીં પરંતુ AI એમ્પાવર્ડ પરિવારોની જરૂર છે.