બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 3 સભ્યોની હાઈ પાવર કમિટી રચાઈ
=> નવા વકીલોના રજિસ્ટ્રેશન અને સહાયના કામો અટકે નહીં તે માટે લેવાયો નિર્ણય
=> સમિતિ પાસે જનરલ ચાર્જ કે સ્ટાફ બદલીની કોઈ જ સત્તા રહેશે નહીં
સિટી ન્યૂઝ@રાજકોટ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સત્તાવાર બોડીએ ચાર્જ ન સંભાળતા લાંબા સમયથી વકીલોના કામો ખોરવાઈ ગયા હતા. આ સમસ્યાના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટની સૂચના અને BCI ના લેટર મુજબ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને BCI મેમ્બર દિલીપ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. હવે આ બંને સભ્યોએ બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન જે. જે. પટેલની ત્રીજા સભ્ય તરીકે નિમણૂક કરી ૩ સભ્યોની વચગાળાની હાઈ પાવર કમિટીની રચના કરી છે.
આ વચગાળાની સમિતિની રચનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નવા વકીલોના રજિસ્ટ્રેશન (એનરોલમેન્ટ), બીમારીની સહાય અને મૃત્યુ સહાયના કામો અટકે નહીં. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને દિલીપ પટેલ વચ્ચે થયેલી વ્યાપક ચર્ચાના અંતે આ નીતિવિષયક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં અન્ય ૩ સભ્યોની એનરોલમેન્ટ કમિટી પણ રચાશે, જેથી પ્રેક્ટિસ કરવા ઇચ્છતા નવા જુનિયર વકીલોના મોટી સંખ્યામાં બાકી રહેલા રજિસ્ટ્રેશનનું કામ ઝડપી બનશે અને તેમને નવી સનદ મળી શકશે.
એડવોકેટ જનરલે સ્પષ્ટતા કરી હતી કે આ ૩ સભ્યોની વ્યવસ્થા માત્ર વકીલોના હિતમાં અને જરૂરી કાયદાકીય કામકાજ પૂરતી સીમિત છે. આ સમિતિ પાસે બાર કાઉન્સિલનો કોઈ જનરલ ચાર્જ રહેશે નહીં. તેઓ કાયમી સ્ટાફની નિમણૂક કે બદલી કરી શકશે નહીં, તેમજ બેંકિંગ ઓપરેશનમાં કોઈ ફેરફાર કરવાની સત્તા પણ ધરાવશે નહીં. આ સંપૂર્ણ વહીવટી વ્યવસ્થા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી પિટિશનના આખરી આદેશને આધીન રહેશે. દિલીપ પટેલે જણાવ્યું હતું કે હાઈ પાવર કમિટીના આ મહત્વના નિર્ણયથી રાજ્યના હજારો વકીલોને મોટી રાહત મળશે અને રોજિંદા કાર્યો ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકશે.