Loading Please Wait !!!
ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : બાગેશ્વર

  • રાજકોટમાં હનુમંત કથાના 3જા દિવસે દિવ્ય દરબારમાં ભક્તોના પ્રશ્નો ઉકેલાયા

સિટી ન્યૂઝ@રાજકોટ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ભવ્ય 'સનાતન સેતુ હનુમંત કથા' ના ૩જા દિવસે રાજકોટના કથા મંડપમાં એક અલૌકિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. લાખો ભક્તોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે રવિવારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) દ્વારા 'દિવ્ય દરબાર' ભરવામાં આવ્યો હતો. આ દરબારમાં બાબાએ પોતાની આગવી શૈલીમાં દૂર-દૂરથી આવેલા ભાવિકોની જટિલ સમસ્યાઓ, પારિવારિક કંકાસ, આર્થિક સંકડામણ અને વર્ષો જૂની બીમારીઓનું સમાધાન કરીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. દિવ્ય દરબારની આ ક્ષણો દરમિયાન એક અત્યંત જરૂરિયાતમંદ અને મજૂરીકામ કરતી મહિલાને બાબા બાગેશ્વરે મંચ પરથી રોકડ મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દિવ્ય દરબારની શરૂઆત થતાં જ બાબા બાગેશ્વરે હનુમંત ચરણોમાં ધ્યાન ધરીને લાલ કલમથી અગાઉથી જ કાગળ (પરચો) લખવાનું શરૂ કર્યું હતું. દરબારમાં કોઈ વ્યક્તિ આગળ આવે તે પહેલાં જ બાબાએ તેના મનમાં ચાલતી મૂંઝવણો કાગળ પર ઉતારી દીધી હતી. અનુયાયીઓની સમસ્યાઓનું સમાધાન કર્યા બાદ બાબાએ ભાવુક થઈને ગર્જના કરતા જણાવ્યું હતું કે, “હું કોઈ ભગવાન કે ચમત્કારી પુરુષ નથી, હું તો માત્ર બાગેશ્વર ધામના બાલાજીનો ૧ સામાન્ય સેવક છું. તમારી અતૂટ શ્રદ્ધા અને હનુમાનજીની અસીમ કૃપા જ તમારી પીડાઓ હરી રહી છે.

તેમણે સભામાં સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે, “ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે.” વધુમાં તેમણે ભક્તોને વ્યક્તિ પૂજાને બદલે સંસ્થા સાથે જોડાવા આગ્રહપૂર્વક અપીલ કરતા કહ્યું હતું કે, “વ્યક્તિના ચક્કરમાં પડવાને બદલે આશ્રમની સેવાના ચક્કરમાં પડવું જોઈએ. આજી તમારી સમસ્યા તમારી નથી, પરંતુ તે અમારા આશ્રમની છે.” આ વાક્ય સાંભળીને ઉપસ્થિત હજારો ભક્તોએ જયશ્રી રામના નારા સાથે ગગનભેદી પ્રતિભાવ આપ્યો હતો.

સ્વચ્છ રાજકોટ ટીમની અમૂલ્ય સેવા આ ૩ દિવસીય કથા દરમિયાન 'સ્વચ્છ રાજકોટ ટીમ' દ્વારા મેદાનને સ્વચ્છ રાખવાની નિઃશુલ્ક અને અમૂલ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી. સ્વયંસેવકોએ ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા અને કચરો ડસ્ટબિનમાં જ નાખવા લોકોને પ્રેરિત કર્યા હતા. તેમણે જળ, જમીન અને પર્યાવરણનું જતન એ આપણી સામૂહિક જવાબદારી છે તેવો સંદેશ આપીને, આવનારી પેઢી માટે સસ્ટેનેબલ લિવિંગ અપનાવવા તથા પ્રાકૃતિક સંસાધનો યોગ્ય વપરાશ પર ભાર મૂક્યો હતો. રાજકોટને સ્વચ્છ અને હરિયાળું રાખવું એ દરેક જવાબદાર નાગરિકની નૈતિક ફરજ હોવાનું તેમણે જણાવ્યું હતું.

લોક દાયરો અને આભાર દર્શન દિવ્ય દરબારની શરૂઆત આ લોકસાહિત્યકાર દેવ ભટ્ટ અને સિંગર ટીમ સાથે બીરજુ બારોટ દ્વારા શાનદાર લોક દાયરાની રમઝટ કરવામાં આવી હતી, જેણે ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમ અંતે મુખ્ય આયોજક સમિતિના મંગેશ દેસાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. તેમણે આયોજનને સફળ બનાવવા બદલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર ઓફિસ, પોલીસ ડિપાર્ટમેન્ટ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, મહિલા મંડળો અને હિન્દુ પ્રેમી જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.