Loading Please Wait !!!
ભરત ફુગશિયાએ મારી નાખવાની ધમકીથી સાહિલે ઝેર પીધુ : હોસ્પિટલમાં અચાનક ગૂમ !



>> રેલનગરમાં લુખ્ખાઓનો ત્રાસ વધ્યો

>> પોલીસ સાહિલનું નિવેદન લે તે પહેલા હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા અને પોપટપરામાં પાનની દુકાન ધરાવતા ૨૧ વર્ષીય યુવકે જૂની માથાકૂટમાં શખ્સ દ્વારા 'જ્યાં મળે ત્યાં ફાયરિંગ કરી ગોળીઓથી વીંધી નાખવો છે' તેવું કહેતા યુવકે ફિનાઈલ ગટગટાવી લીધું હતું જોકે આ મામલે પોલીસ પહોંચે તે પૂર્વે જ યુવક હોસ્પિટલમાંથી નીકળી જતાં આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રેલનગરમાં ઘનશ્યામ રેસિડેન્સી સામે રહેતો અને પોપટપરા વિસ્તારમાં પાનની દુકાન ચલાવતો સાહિલ સમીરભાઈ ચાનીયા (ઉ.વ. ૨૧) શુક્રવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાહિલના આક્ષેપ મુજબ, પોપટપરામાં રહેતો ભરત ફુંગશિયા તેનો જૂનો મિત્ર છે અને ત્રણેક વર્ષ પહેલાં તેમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જે તે સમયે આ મામલે સમાધાન પણ થઈ ગયું હતું. આમ છતાં બે-ત્રણ દિવસ પહેલા ભરત ફુંગશિયા સાહિલની પાનની દુકાને ધસી આવ્યો હતો. તે સમયે સાહિલ હાજર ન હોવાથી ત્યાં બેઠેલા તેના મોટાબાપુ સલીમભાઈ દાઉદભાઈ ચાનીયાને ભરતે સાહિલ વિશે પૂછ્યું હતું અને ધમકી આપતા કહ્યું હતું કે, 'સાહિલ ક્યાં છે? તેને બોલાવો. હવે તો સાહિલ જ્યાં ભેગો થાય ત્યાં ફાયરિંગ કરીને ગણી ન શકાય એટલી ગોળીઓ મારી દેવી છે.” તેમ કહી તે ત્યાંથી નીકળી ગયો હતો. ધમકી બાદ ગઈકાલે રાત્રે ભરત ફુંગશિયાના નજીકના ગણાતા હરેશ મિયાત્રા નામના શખ્સનો સાહિલ પર ફોન આવ્યો હતો અને તું ક્યાં છે?થ તેમ પૂછતા સાહિલે ગભરાઈને ફોન કાપી નાખ્યો હતો. ભરત અને તેના માણસો પોતાની શોધખોળ કરી રહ્યા હોવાની અને મારી નાખશે તેવી બીકના માર્યા સાહિલે વહેલી સવારે ઘરે ફિનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે સાહિલનું નિવેદન નોંધવા પહોંચે તે પહેલાં જ સાહિલ હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો. હાલ પોલીસે આ મામલે સત્ય શું છે? તે જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.