ભાજપ નેતા જવાહર ચાવડાએ આંદોલન સામે મેદાનમાં : મુખ્યમંત્રી સાથે મુલાકાતની માંગ
- પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને યુવાનો માટે એક થવાની અપિલ
સિટી ન્યૂઝ@જૂનાગઢ
ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ રાજ્યમાં યુવાનોને સતાવતા બેરોજગારી, પેપર લીક અને શિક્ષણ સંબંધિત પ્રશ્નોને લઈને ચિંતા વ્યક્ત કરી છે, તેમણે નાગરિકો અને વાલીઓને સંબોધીને એક જાહેર પત્ર લખ્યો છે, જેમાં છેલ્લા એક વર્ષથી યુવાનો વચ્ચે રહીને તેમની સમસ્યાઓઝે નજુુકથી સમજવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે.
તેમણે કહ્યું કે વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ અને રોજગારીની મર્યાદિત અવસરને કારણે યુવાનોમાં નિરાશા વધી રહી છે. જવાહર ચાવડાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે તેઓનાં પ્રશ્નોના કાયમી ઉકેલ માટે તેઓએ મુખ્યમંત્રી પાસે રૂબરૂ મુલાકાત માટે સમય માંગ્યો છે. તેઓ હાલ મુખ્યમંત્રીના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ મુદ્દે માત્ર ચર્ચા નહીં પરંતુ અસરકારક અને લાંબા
ગાળાના ઉકેલ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
પત્રમાં તેમણે તમામ નાગરિકો, વાલીઓ અને સમાજના વિવિધ વર્ગોને પક્ષ, જાતિ અને ધર્મના ભેદભાવથી દૂર રહીને યુવાનોના હિતમાં એકજૂથ થવાની અપિલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોનું ભવિષ્ય કોઈ એક પક્ષનો નહીં પરંતુ સમગ્ર સમાજનો વિષય છે, તેથી દરેક વ્યક્તિએ જવાબદારતાથી આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ.
જવાહર ચાવડાએ પોતાના પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ગાંધીના ગુજરાતમાં વિદ્યાર્થીઓને વારંવાર અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે શિક્ષણ અને રોજગારી જેવા મૂળભૂત મુદ્દો પર ગંભીરતાથી વિચાર કરીને અસરકારક નિર્ણય લેવાની જરૂર છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર યુવાનોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને યોગ્ય પગલાં ભરશે અને રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવાનોને ન્યાય મળશે.