Loading Please Wait !!!
કારનું નકલી ચલણ મોકલી વેપારી સાથે 8.16 લાખની છેતરપિંડી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટના જગન્નાથ પ્લોટ વિસ્તારમાં રહેતા વેપારીને કારનું નકલી ચલણ મોકલી સાયબર ગઠિયાઓએ ૮.૧૬ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ કરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જગન્નાથ પ્લોટમાં રહેતા અને પાક્ષ કોર્પોરેશન નામે ધંધો કરતા મિતનભાઈ ચંદ્રકાંત મહેતા એ ફરિયાદ કરી હતી જેમાં તેમને જણાવ્યું હતુ કે તા. ૯ મેના રોજ તેમણે પોતાનો મોબાઈલ નંબર પોર્ટ કરવાની પ્રક્રિયા કરાવી હતી. તે જ રાત્રે તેમના મોબાઈલ પર 'એમ-પરિવહન'ના નામે એક ટેક્સ્ટ મેસેજ આવ્યો, જેમાં તેમની કારનું ૨૦૦૦નું ચલણ કાપ્યું હોવાની ખોટી વિગત હતી ચલણ ભરવાના બહાને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતા જ ફાઈલ ડાઉનલોડ થઈ ગઈ હતી. ત્યાર બાદ ૧૦ મેના રોજ વેપારીના ફોન પર અલગ-અલગ ઈ-કોમર્સ સાઈટ્સના આશરે ૩૦ જેટલા OTP મેસેજ આવ્યા હતા. બેંક મેનેજરની સલાહથી તેમણે ખાતાની ટ્રાન્ઝેક્શન લિમિટ ઘટાડીને ૧૫૦૦ કરી નાખી હતી. જો કે, ૧૩ મેની વહેલી સવારે સાયબર ગઠિયાઓએ તેમની માતાના પર્સનલ ખાતા અને પેઢીના યસ બેંકના ખાતામાંથી તેમની જાણ બહાર કુલ ૧૭ ટ્રાન્ઝેક્શન કરીને ૮.૧૬ લાખ ઉપાડી લીધા હતા. આ અંગે ભોગ બનનારે તુરંત ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.