કોંગ્રેસના કપટથી ખેડૂત આંદોલન તૂટ્યું : AAP
- કોંગ્રેસને ખુલ્લી ચેતવણી : ખેડૂતોના નામે રાજકારણ બંધ કરો !
- પ્રવીણ રામે કહ્યુ : ગાંધીનગર સુધી મંજૂરી ન માગી ખેડૂતોને ગુમરાહ કર્યા
- 27 મીએ સુરેન્દ્રનગરમાં AAPનું કિસાન મહાપંચાયતનું આયોજન
- ખેડૂતોને ગુમરાહ કરી આંદોલન અને ખેડૂતોની એકતા તોડવાનું કામ કર્યુ
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને પંકજ રાણસરીયા દ્વારા આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ દ્વારા ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવામાં આવ હોવાનો આક્ષેપ કર્યો છે.
આ સાથે તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉથી જ ૧૪ તારીખના રોજ પોલીસ કમિશનર સમક્ષ રેલીની અને સભાની મંજૂરી લેવામાં આવી છે, પરંતુ ગાંધીનગર જવા માટે મંજૂરી જ માંગવામાં આવી નથી. ગાંધીનગરનું કહી ખેડૂતોને કોંગ્રેસની સભામાં લઇ ગયા હતા જેથી ખેડૂતો વિફરાયા હતા.
જ્યારે કોંગ્રેસના બેનર અને ખેસ ઝંડા ઉતારી લેવામાં આવે તો ખેડૂતો સભામાં બેસવા તૈયાર છે તેવી રજૂઆત કરવા છતાં કોંગ્રેસે વાત ન માનતા ખેડૂતો વિફર્યા હોવાનો વિડીયો સાથે આક્ષેપ પંકજ રાણસરીયા દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હવે આગામી ૨૭ જૂન ૨૦૨૬ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.
AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, અમારી લડાઈ ખેડૂતો માટે સરકાર સામે છે. સરકાર સામે અમે લડતા હતા અને આગળ પણ લડીશું. કોંગ્રેસ દ્વારા પોલીસ પાસેથી ગાંધીનગર જવા માટેની મંજૂરી જ માંગવામાં આવી નથી, માત્ર સભા સ્થળ સુધી રેલી અને બાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં સભાનું આયોજન કરવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જે ૧૪ જૂનના રોજ પોલીસ તરફથી મળી હતી. ગાંધીનગર સુધીની રેલીની મંજૂરી જ માંગવામાં ન આવી હોવાનું ખેડૂતોને જણાવ્યું ન હતું અને કોંગ્રેસે ખેડૂતોને ગુમરાહ કર્યા હતા, જેથી ખેડૂતો વિફરાયા હતા.
રામે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ છેલ્લા ૩-૪ દિવસથી અમારી આમ આદમી પાર્ટી ઉપર ખોટા આક્ષેપ કરી અમને બદનામ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિક રીતે કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરી ખેડૂતોનું આંદોલન અને ખેડૂતોની એકતા તોડવાનું કામ કર્યું છે.
આગામી ૨૭ જૂન ૨૦૨૬ના રોજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે સુરેન્દ્રનગર જિલ્લામાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાશે.
AAP નેતા પંકજ રાણસરીયાએ જણાવ્યું હતું કે, ૨ ફેબ્રુઆરીથી હું પાલભાઈ આંબલીયા સાથે ખેડૂતોના હિતમાં ખેડૂતોના પ્રશ્ને લડાઈ લડવા માટે ખેસ ઉતારીને જોડાયો છું. ટંકારામાં પણ રેલી યોજી હતી અને આ સમય પણ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનનું કહી ૩ કિલોમીટર દૂર એક જગ્યાએ ટ્રેક્ટર સાઈડમાં રખાવી પાલભાઈએ એકલાએ ભાષણ કર્યું હતું.
રાણસરીયાએ વધુમાં કહ્યું કે, આ પછી ગાંધીનગરનું કહી ખેડૂતોને લઇ ગયા બાદ વાસ્તવિક રીતે ગાંધીનગર સુધીની મંજૂરી જ ન માંગી અને કોંગ્રેસની સભામાં ખેડૂતોને લઇ ગયા એ સમયે મેં કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસના બેનર અને ઝંડા ઉતારી લેશો તો ખેડૂતો સભામાં જોડાશે તેવી બે હાથ જોડી વિનંતી કરી હતી.