Loading Please Wait !!!
રાજકોટમાં ભાનુકુમાર મહેતાના 6 પુસ્તકોનું ભવ્ય લોકાર્પણ

 પ્રવીણ પ્રકાશન અને બી ધ ચેન્જ દ્વારા શનિવારે સાહિત્યિક કાર્યક્રમ

 

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં સાહિત્યપ્રેમીઓ માટે એક વિશિષ્ટ અને પ્રેરણાદાયક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંવેદના-ભક્તિ-પ્રેમ-જ્ઞાન જેવા ૪ મુખ્ય વિષયો પર આધારિત આ સાહિત્યિક કાર્યક્રમમાં પ્રખ્યાત લેખક ભાનુકુમાર મહેતા દ્વારા રચિત ૬ મહત્વના પુસ્તકોનું શનિવારે ભવ્ય લોકાર્પણ યોજાશે.

આ કાર્યક્રમનું આયોજન પ્રવીણ પ્રકાશન અને બી ધ ચેન્જ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ સાહિત્યિક સાંજનાં મુખ્ય વક્તા તરીકે જાણીતા નવલકથાકાર, કોલમ લેખક અને ક્રિએટિવ પ્રોડ્યુસર આશુ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ મુખ્ય અતિથિ તરીકે કંડલા સ્ટેટના IAS અધિકારી જ્ઞાનેન્દ્ર ગંગવાર કાર્યક્રમની શોભા વધારશે. જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભટ્ટ પણ હાજરી આપશે.

આ કાર્યક્રમમાં પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંજય વાળા, આર. પી. જોષી, ગીતા ગીડા, અશ્વિન શાહ, નગીન દવે, ભરત ચૌધરી, ડો. નવલ શીલુ, હર્ષ પંડ્યા અને મુકેશ પટેલ જેવા આગેવાનો ભાગ લેશે. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અભિનયકાર અને હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી દ્વારા કરવામાં આવશે.

લોકાર્પિત થનારા પુસ્તકોમાં આધ્યાત્મિકતા, પ્રેમ, જીવનમૂલ્યો અને માનવીય સંવેદનાઓને સ્પર્શતા વિષયો આવરી લેવામાં આવ્યા છે. ભાનુકુમાર મહેતાના લેખનમાં સરળ ભાષાની સાથે ઊંડા વિચારોનું સંકલન જોવા મળે છે, જે વાચકોને આત્મચિંતન કરવા અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા તરફ પ્રેરિત કરે છે.

આ કાર્યક્રમ ૨૦ જૂન ૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૬ વાગ્યે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ, ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, GIDC, ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે, રાજકોટ ખાતે યોજાશે.

આ કાર્યક્રમ માત્ર પુસ્તકોનું લોકાર્પણ નહીં પરંતુ એક સાહિત્યિક યાત્રા છે, જેમાં વિચારોનું મંથન, અનુભવોની આપ-લે અને પ્રેરણાનો સ્ત્રોત મળશે. આયોજકો દ્વારા તમામ સાહિત્યપ્રેમીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (વધુ માહિતી માટે સંપર્ક: 81602 60433)