સિવિલ હોસ્પિટલમાં કરોડોની એમ્બ્યુલન્સ ‘શો-પીસ’ બની
ઈમરજન્સી સેવા ઠપ્પ? સરકારનો ખર્ચ વ્યર્થ હકીકત બહાર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક એમ્બ્યુલન્સો લાંબા સમયથી બંધ હાલતમાં ઉભી હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલ પરિસરમાં ઉભેલી આ એમ્બ્યુલન્સો પર ધૂળ ચડેલી હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે તે સમયસર ઉપયોગમાં લેવાતી નથી, જેના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. માહિતી મુજબ, લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી આ એમ્બ્યુલન્સો દર્દીઓને તાત્કાલિક સેવા આપવા માટે હતી, પરંતુ હાલ ગંભીર સ્થિતિમાં દર્દીઓને ઝડપી સારવાર સુધી પહોંચાડવામાં એમ્બ્યુલન્સનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે, ત્યારે આવી સ્થિતિ ચિંતાજનક માનવામાં આવી રહી છે.
સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે બંધ પડેલી એમ્બ્યુલન્સોને તાત્કાલિક રિપેર કરીને કાર્યરત બનાવવામાં આવે. જો તંત્ર આ કાર્યમાં નિષ્ફળ જાય તો સમાજના સહયોગથી તેને ફરી શરૂ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ મુદ્દે જવાબદાર અધિકારીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. શહેરના નાગરિકોમાં પણ આ બાબતે નારાજગી જોવા મળી રહી છે કે આરોગ્ય સેવા માટેના મહત્વના સાધનો જ યોગ્ય રીતે ઉપયોગમાં લેવાતા નથી.
રીપેર કરવાના રૂપિયા આપવા કોંગ્રેસ નેતા રેડી
ગોપાલ અનડકટે કહ્યું સ્વ.ઈન્દુબેન રસિકલાલ અનડકટ સહયોગ માટે તૈયાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાર જેવી એમ્બ્યુલન્સ સાવ બંધ હાલતમાં હોય અમારી તંત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જીવા ખર્ચમાં આ લાખો રૂપિયાની એમ્બ્યુલન્સ બંધ પડેલ હોય તો ચાલુ કરાવવા વિનંતી અને આપણે ન કરાવી શકતા હોય તો સ્વ ઈન્દુબેન રસિકલાલ અનડકટ ના સંયોગથી ચાલુ કરાવી દેવા તૈયાર છીએ. જશવંતસિંહ ભટ્ટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલ અનડકટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણ દત્ત ભાઈ રાવલે જણાવ્યું હતું.