Loading Please Wait !!!
જનતાના પૈસાનો હિસાબ દેવાની મહાપાલિકાએ ‘ના’ પાડી દીધી !

  • હવે આવે છે 100% કૌભાંડોની બૂ... RMC પાસે પારદર્શિતાનો અભાવ
  • રાજકોટ બે વર્ષમાં કોર્પોરેશને કેટલા કરોડનું પાણી પીધું ? RTIમાં કહ્યું ગોપનિય માહિતી હોવાથી આપી નહીં શકાય : લુલો બચાવ
  • કોંગ્રેસ આગેવાને માંગેલી RTIથી પર્દાફાશ
  • 6 દિવસમાં RMCએ 22.92 લાખનું પાણી ગટગટાવી ગયા: બીજા પાણીના ખર્ચની વિગતો દેવાની ના પાડી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬માં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વિવિધ વિભાગો અને સમિતિઓ દ્વારા સુરક્ષા, મશીનરી, ભોજન અને અન્ય વ્યવસ્થાઓ માટે કુલ રૂ. ૨,૭૭,૬૨,૭૩૭નો જંગી ખર્ચ થયો હોવાની અધિકૃત વિગતો જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેમાં માત્ર પીવાના પાણી માટે રૂ. ૨૨.૯ર લાખનો જંગી ખર્ચ કરાયો હોવાનું સામે આવ્યું છે. જે પેઢી પાસેથી આ પાણી ખરીદવામાં આવ્યું તેનો કોન્ટ્રાક્ટ છેલ્લા ૨ વર્ષ કરતા વધુ સમયથી ચાલતો હોય કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા છેલ્લા બે વર્ષમાં પાણી માટે કરેલા ખર્ચની વિગતો માંગતી RTI કરવામાં આવી હતી.

જોકે મનપા તંત્રએ ગોપનીય માહિતી હોવાનું બહનું આપીને આ વિગતો RTIમાં પણ છુપાવતા કોમલબેન ભારાઈએ કોર્ટમાં જવા તૈયારી દર્શાવી છે. મનપા દ્વારા માત્ર પીવાના પાણી માટે રૂ. ૨૨.૬ર લાખનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં બજારમાં રૂ.૩નાં હોલસેલ ભાવે મળતી બોટલો રૂ. ૮માં ખરીદવામાં આવી હોવાનો ભાસ્કરે  પર્દાફાશ કર્યો હતો. જેને લઈને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઈ દ્વારા આ પાર્ટી પાસેથી છેલ્લા ૨ વર્ષમાં કેટલું પાણી આ ભાવે ખરીદવામાં આવ્યું તેની વિગતો માંગતી RTI પણ કરવામાં આવી હતી. જોકે તેમને પણ મનપા દ્વારા આ સવાલનો જવાબ આપવામાં આવ્યો નથી. અને સમગ્ર બાબત ગોપનીય હોવાનો લુલો બચાવ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના નેતા રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, અમારા પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઈને જંગલેશ્વર ડિમોલિશનમાં કરવામાં આવેલો પાણીનો ખર્ચ ખૂબ વધુ લાગતા એક આરટીઆઈ કઢાઈ હતી. જેમાં મુખ્યત્વે જંગલેશ્વરમાં પાણી સપ્લાય કરતી પેઢી ઉમિયાજી મંડપ ધ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ કેટલું પાણી મનપાને આપવામાં આવ્યું અને તેની કિંમત કેટલી છે તે કોઈ સવાલ કરવામાં આવ્યો હતો. જોકે તંત્રએ આ ગોપનીય માહિતી હોવાથી તેની વિગતો આપી શકાય નહીં તેવો લુલો બચાવ કર્યો છે.

આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે, મનપા અને આ પેઢીની વચ્ચે કોઈ સાંઠગાંઠ છે અને અત્યાર સુધીમાં લાખો પાણીની બોટલ મોંઘાદાટ ભાવે ખરીદી પ્રજાના કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે આગામી સમયમાં અપીલમાં અને આ પછી જરૂર પડે તો કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે.