Loading Please Wait !!!
પોલીસ પર આઇસર ચડાવી દેવાના ખૂની હૂમલામાં આરોપી નિર્દોષ જાહેર

=> નામદાર સેશન્સ કોર્ટનો ચૂકાદો 

=> બૂટલેગરને પકડવા PSI એ 6 રાઉન્ડ ફાયરિંગ પણ કરેલ 

=> ગોંડલ ચોકડી પાસે માલવિયાનગરના PSI જી.એમ. હડીયા પર ખૂની હૂમલો થયો હતો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટની ગોંડલ ચોકડી પાસે માલવિયાનગરના PSI જી. એમ. હડીયા અને પોલીસ સ્ટાફ પર આઇસર ટ્રક ચડાવી દઈને જાનથી મારી નાખવાના પ્રયાસના અત્યંત ગંભીર કેસમાં નામદાર સેશન્સ અદાલતે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. પોલીસ પર હુમલા જેવા ગંભીર ગુનાઓમાં તપાસ પદ્ધતિ કેટલી પારદર્શક અને સચોટ હોવી જોઈએ તે આ ચુકાદા પરથી સ્પષ્ટ થાય છે. પોલીસની તપાસમાં રહી ગયેલી અનેક મોટી ખામીઓ, પુરાવાનો અભાવ અને બચાવ પક્ષના વકીલોની સચોટ કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે મુખ્ય આરોપી જુનેદ હારૂન ગજ્જનને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

આ કેસની વિગતવાર હકીકત મુજબ, ૨૧ જુલાઈ ૨૦૧૬ ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમૃત મકવાણાને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઇસર ગાડીમાં વિપુલ પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને હથિયારો ભરીને જૂનાગઢથી રાજકોટ તરફ લાવવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે PSI હડિયા અને તેમનો સ્ટાફ ગોંડલ ચોકડી જેવા વ્યસ્ત હાઈવે નાકા પર રાત્રિના સમયે વોચમાં હતા. બાતમી મુજબનું શંકાસ્પદ આઇસર આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલકે ટ્રક રોકવાને બદલે સ્પીડ વધારીને PSI અને અન્ય પોલીસકર્મીઓ પર સીધો ટ્રક ચડાવી દેવાની કોશિશ કરી હતી. સમયસૂચકતા વાપરીને પોલીસકર્મીઓ ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આ અફરાતફરીના માહોલ વચ્ચે પાછળથી આવેલી એક સ્વીફ્ટ કારના ચાલકે પણ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરી જીવલેણ હુમલો કર્યો હતો. આવા ગંભીર સંજોગોમાં સ્વબચાવ માટે PSI હડિયાની પોતાની સરકારી રિવોલ્વર લોક ન હોવાથી, તેમણે તાત્કાલિક હેડ કોન્સ્ટેબલ અમૃત મકવાણાની રિવોલ્વર લઈને પહેલા ૩ રાઉન્ડ અને ત્યારબાદ ટ્રક પર વધુ ૩ રાઉન્ડ એમ કુલ ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીઓ ટ્રકના સ્પેરવ્હીલ અને ટાયરમાં વાગી હતી. કરંટના માર્યા ચાલક ટ્રક સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રકની તલાશી લેતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલામાં પાછળથી જુનેદ ગજ્જ અને ઇમ્તિયાજ રાઉમાની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે આ કેસ કોર્ટમાં ચાલવા પર આવ્યો ત્યારે ફરિયાદ પક્ષ તરફથી કુલ ૧૬ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. પરંતુ આરોપી જુનેદ ગજ્જ તરફથી રોકાયેલા વકીલોએ સચોટ બચાવ કરતા કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે મૂળ FIR માં આઇસર ચાલકનું કોઈ જ નામ કે તેના શારીરિક વર્ણનનો ઉલ્લેખ નહોતો. એટલું જ નહીં, ગાડી કોની માલિકીની છે તે અંગે કોઈ જ ઊંડાણપૂર્વક તપાસ કરાઈ નહોતી કે માલિકી દર્શાવતા કોઈ કાગળો કોર્ટમાં રજૂ થયા નહોતા. કાયદાકીય રીતે સૌથી મોટી ખામી એ હતી કે જ્યારે આરોપી અજાણ્યો હોય ત્યારે ધરપકડ બાદ તેની નિયમ મુજબ ઓળખ પરેડ (ટીઆઈ પરેડ) કરાવવી ફરજિયાત હોય છે, જે આ કેસમાં કરાવાઈ નહોતી. વધુમાં, દારૂ અને વાહન જપ્તીનું પંચનામું ઘટનાસ્થળે જ થવું જોઈએ, તેના બદલે છેક પોલીસ સ્ટેશનમાં લઈ જઈને કરાયું હતું, જે શંકા પ્રેરે છે. બનાવ રાત્રિના અંધકારનો હોવાથી અને હાઈવે પર પૂરઝડપે વાહન પસાર થતું હોવાથી, અંધારામાં ડ્રાઇવિંગ સીટ પર ચોક્કસ કોણ બેઠું હતું તે સ્પષ્ટપણે કહી કે ઓળખી શકાય નહીં તેવી દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

બચાવ પક્ષે કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે ગોંડલ ચોકડી ઘટનાસ્થળની આસપાસ રાત-દિવસ અનેક દુકાનો, પાનના ગલ્લા અને હોટલો ખુલ્લી હોય છે. આમ છતાં, પોલીસે બનાવને સમર્થન આપવા માટે કોઈ જ સ્વતંત્ર કે સ્થાનિક સાક્ષીઓના નિવેદન લીધા નહોતા. સૌથી મોટો અને નિર્ણાયક વિરોધાભાસ ફાયરિંગનો હતો. પોલીસે ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યાનો દાવો કર્યો હતો, પરંતુ તપાસ દરમિયાન સ્થળ પરથી માત્ર ૨ જ કારતુસના ખાલી ખોખા રિકવર થયા હતા. બાકીના ૪ રાઉન્ડ ક્યાં ગયા તે પોલીસ સાબિત કરી શકી નહોતી, જે પોલીસની સમગ્ર તપાસ થિયરી પર મોટી શંકા ઉભી કરતા હતા.

આ તમામ પ્રકારના વિરોધાભાસી નિવેદનો, પુરાવાનો સ્પષ્ટ અભાવ અને બચાવ પક્ષ દ્વારા રજૂ કરાયેલા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે આરોપી જુનેદને તમામ આક્ષેપોમાંથી મુક્ત કરી નિર્દોષ જાહેર કર્યો છે. આ કામમાં આરોપી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન એચ. જોષી, જયવિર બારૈયા, ધવલ પુરોહિત, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર યશ ખેર, જય અકબરી, સહદેવસિંહ રાઠોડ રોકાયેલ હતા.