Loading Please Wait !!!
RMCની સાયકલ સહાય યોજનામાં ગરબડ ગોટાળા?

■ આજે વિશ્વ સાયકલ દિવસ : દસ્તાવેજો અપલોડ કર્યા છતાં સહાય નહીં, યોજનાની પારદર્શિતા પર સવાલ
■ સાયકલ લેનાર વ્યક્તિએ મનપાની વેબસાઇટ પર 1000ની સહાય માટે ફોર્મ ભર્યું મેસેજ આવ્યો તમે લાભ લઈ લીધો છે : બોલો
■ શું અન્ય કોઈ નામે સહાય ઉપાડી લેવાઈ છે !
■ વેપારીઓ અને તંત્ર વચ્ચે મીલીભગત ?
■ સાત વર્ષમાં 15 હજાર લોકોએ યોજનાનો લાભ લીધો
■ દોઢ કરોડની રકમ મનપાએ લાભાર્થીઓના બેન્કમાં જમા કરાવી

સિટી ન્યૂઝ@રાજકોટ

વિશ્વ સાયકલ દિવસના અવસરે રાજકોટ મહાનગરપાલિકાની સાયકલ પ્રોત્સાહન યોજના અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં પર્યાવરણ બચાવ અને ઈંધણ બચતના હેતુથી ચલાવવામાં આવતી આ યોજનામાં કેટલાક નાગરિકોને એવો અનુભવ થયો છે કે તેઓ સાયકલ ખરીદી અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા છતાં સહાય મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

યોજનાના નિયમો અનુસાર સાયકલ ખરીદનાર નાગરિકને ૧૦૦૦ની સહાય આપવામાં આવે છે. અરજદારો દ્વારા સાયકલની ખરીદીનું બિલ, ફોટોગ્રાફ તથા અન્ય જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવામાં આવ્યા હતા. જોકે અરજી પ્રક્રિયા દરમિયાન વેબસાઇટ પર “આધાર નંબર પરથી અગાઉ સહાય લેવામાં આવી છે” એવો સંદેશ દેખાતા અરજદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મહત્વની વાત એ છે કે સંબંધિત અરજદારોનો દાવો છે કે તેમણે અગાઉ ક્યારેય આ યોજનાનો લાભ લીધો નથી. આવા સંજોગોમાં સિસ્ટમમાં પહેલેથી ક્લેમ થયાનો રેકોર્ડ કેવી રીતે આવ્યો તે સૌથી મોટો સવાલ બની ગયો છે. આ ઘટનાએ યોજનાની પારદર્શિતા અને ડેટા વ્યવસ્થાપન અંગે ગંભીર શંકાઓ ઊભી કરી છે.

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે શું યોજનામાં કોઈ ગેરરીતિ અથવા સંગઠિત ગોટાળો ચાલી રહ્યો છે? કેટલાક નાગરિકોનું માનવું છે કે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો સાયકલ સહાયના નામે જાહેર નાણાંના દુરુપયોગના કિસ્સા બહાર આવી શકે છે.

શું છે સમગ્ર મામલો ?

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સાયકલ પ્રોત્સાહન અને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સાયકલ સહાય યોજના અમલમાં છે. યોજના મુજબ નાગરિક સાયકલ ખરીદે તો તેને ૧૦૦૦ની સહાય આપવામાં આવે છે. પરંતુ કેટલાક અરજદારોને સાયકલ ખરીદી અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી વેબસાઇટ પર “આધાર નંબર પરથી સહાય અગાઉ લેવામાં આવી છે” એવો મેસેજ મળતા સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે.

ઉઠતા મુખ્ય સવાલો

■ જો લાભાર્થીએ અગાઉ સહાય લીધી જ નથી તો સિસ્ટમમાં ક્લેમ કોણે કર્યો?
■ શું કોઈ અન્ય વ્યક્તિના નામે સહાય ઉપાડી લેવામાં આવી?
■ શું યોજનામાં ડેટા એન્ટ્રી અથવા ચકાસણીમાં ગંભીર ખામી છે?
■ શું સાયકલ વેચાણકારો અને જવાબદાર તત્વોની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે?