દબાણો હટાવો : કોઈ પણ ચમરબંધી નહીં બચી શકે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી રસ્તાઓ પર વધતા દબાણોને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક જામ અને અવરજવર માટે ઉભી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હવે મનપા તંત્ર એક્શનમાં આવ્યું છે. મેયર નેહલ શુક્લએ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી દબાણ દૂર કરવા કડક સૂચનાઓ આપી છે. મેયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવામાં નહીં આવે. ભલે પછી કોઈ નેતાની ભલામણ હોય, કાયદા સામે બધા સમાન છે. મેયરે વધુમાં જણાવ્યું કે શહેરના મુખ્ય માર્ગો પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવવામાં આવે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુધરી શકે અને લોકોને આંશિક રાહત મળી શકે. શહેરમાં વધતા ટ્રાફિક અને દબાણોને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવે મનપા તંત્રની આ કામગીરીથી લોકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.