Loading Please Wait !!!
દાઉદનું રાજકોટમાં નેટવર્ક ! ડ્રગ્સ-હવાલા નેટવર્કનો ભાંડાફોડ !

=> ડ્રગ્સ-સિન્ડિકેટ પર હુમલો : ગુજરાત-મુંબઈમાં એક સાથે ED ની તપાસ

=> દાઉદ ઇબ્રાહિમનો સાથીદાર સલીમ ડોલા ED ના સકંજામાં

સિટી ન્યૂઝ@રાજકોટ

દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને ડ્રગ તસ્કર સલીમ ડોલાના નેટવર્ક પર EDએ મોટી કાર્યવાહી કરતા મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટમાં ૨૦ સ્થળોએ દરોડા પાડ્યા છે. EDની આ તપાસ દરમિયાન હવાલા, મની લોન્ડરિંગ અને બેનામી સંપત્તિઓનો એક બહુ મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. પ્રવર્તન નિદેશાલય (ED) ની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમે આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસમાં આ ઓપરેશન હાથ ધર્યું છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, માદક પદાર્થોની તસ્કરી સાથે જોડાયેલું આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલું હતું અને તે કેટલાક દેશો સુધી ફેલાયેલું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારત સરકાર સલીમ ડોલાને તુર્કી (તુર્કીયે) થી પ્રત્યાર્પણ કરીને ભારત પાછી લાવી હતી. ભાગેડુ અને આતંકવાદીઓને ફંડ પૂરું પાડનારા દાઉદ ઇબ્રાહિમનો આ નજીકનો સાથી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત માદક પદાર્થોનું નેટવર્ક ચલાવીને ભારે ગેરકાયદેસર કમાણી કરતો હતો. EDના આ દરોડા મુખ્યત્વે એવા લોકો અને સંસ્થાઓ પર કેન્દ્રિત છે જેઓ આ આખા નેટવર્કનો હિસ્સો રહ્યા છે, જેમાં ડ્રગ્સ (મેફેડ્રોન - MD) બનાવવા માટે વપરાતા પ્રીકર્સર્સ કેમિકલ્સના સપ્લાયર્સ, કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલા વચેટિયાઓ, તેના ઉત્પાદકો, વિતરકો તેમજ હવાલા ઓપરેટરો અને બેનામી સંપત્તિના માલિકો સામેલ છે. આ સમગ્ર મની લોન્ડરિંગ તપાસ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA), ૨૦૦૨ હેઠળ મુંબઈમાં સલીમ ડોલા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી કેટલીક FIR ના આધારે શરૂ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન EDને પુરાવા મળ્યા છે કે આ અત્યંત સંગઠિત ટોળકી પ્રીકર્સર્સ કેમિકલ્સની ખરીદી, ગુપ્ત રીતે મેફેડ્રોનનું ઉત્પાદન, રાજ્યો વચ્ચે ડ્રગ્સનો સપ્લાય અને વિદેશોમાં તસ્કરી કરીને મોટી માત્રામાં ગેરકાયદેસર નાણાં મેળવતી હતી. ગુના દ્વારા કમાયેલા આ નાણાંની અસલી ઓળખ છુપાવવા માટે તેને હવાલા ચેનલો દ્વારા અહીંથી તહીં મોકલવામાં આવતા હતા અને વિવિધ સહયોગીઓના નામે સ્થાવર-જંગમ તેમજ બેનામી સંપત્તિઓ ખરીદવામાં રોકવામાં આવતા હતા.

=> 8 આતંકીઓની ધરપકડ બાદ ટેરર મોડ્યુલનો પર્દાફાશ

=> પાકિસ્તાનથી ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચે છે દાઉદ !

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની સિન્ડિકેટ દ્વારા ચલાવવામાં આવી રહેલા એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા આ મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દિલ્હી અને મુંબઈમાં મોટા હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન એક મહત્વનો ખુલાસો થયો છે કે, કરાચીનો ક્લિફ્ટન રોડ વિસ્તાર હજુ પણ કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલો છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેઓ મુખ્યત્વે દાઉદ ઇબ્રાહિમના અત્યંત નજીકના અને ખાસ સાથીદાર મુદસ્સર હુસૈન સૈયદ ઉર્ફે મુન્ના ઝિંગાડાના સંપર્કમાં હતા. એક અધિકારીએ જણાવ્યું કે, આ સમગ્ર ઓપરેશન કરાચીના ક્લિફ્ટન રોડ વિસ્તારમાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું, જે સાબિત કરે છે કે દાઉદ ઇબ્રાહિમ આજે પણ ત્યાં જ વસવાટ કરી રહ્યો છે.