3 સંતાનોની માતાનો આપઘાત પિયર પક્ષે દર્શાવી હત્યાની શંકા
સિટી ન્યૂઝ@રાજકોટ
ખેરડી ગામે રહેતા કંચનબેન જમોડ ઉ.૩૫એ ગત મોડી રાત્રે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતદેહને કુવાડવા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો પિયર પક્ષે આક્ષેપ કરી હત્યાની શંકા દર્શાવતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો કુવાડવા રોડ પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા ગોંડલ તાલુકાના ફુલઝર ગામે રહેતા મૃતકના મોટાભાઈ હિંમતભાઈ સરવૈયા રાજકોટ દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે અમે ત્રણ ભાઈઓ અને બે બહેનો છીએ જેમાં કંચનબેન બીજા નંબરના હતા. ૧૨ વર્ષ પહેલા તેમના લગ્ન ખેરડીના સવજી જમોડ સાથે થયા હતા લગ્ન જીવનથી મારી બહેનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. છેલ્લા આઠેક મહિનાથી મારા બહેન અને બનેવી વચ્ચે કંકાસ ચાલતો હતો સવજીને અન્ય મહિલા સાથે સંબંધ હોય જે મારી બહેનને જાણ થતા ઝગડો થતો હતો. મારા બહેન અગાઉ માવતરે રિસામણે આવ્યા હતા ત્યારે અમે સમાધાન કર્યું હતું તે ૧૫-૧૫ દિવસ ઘરે આવતો ન હતો તે મારી બહેન સાથે મારકૂટ કરતો હતો બે દિવસ પૂર્વે મારી નાની બહેનને કંચનનો ફોન આવ્યો હતો કે, ભાડાનું મકાન બદલવામાં તારા બનેવી કોઈ મદદ કરતા નથી. બસ ઝગડા જ કરે છે. ગત રાત્રે મને મારા બનેવી સવજીનો ફોન આવેલ કે, હું રિક્ષા લઈ ફેરો કરવા રાત્રે ૯.૩૦ વાગ્યે ગયો હતો. ઘરે આવીને જોયું તો કંચને ગળાફાંસો ખાઈ લીધો છે. કંચને ગળાફાંસો ખાતા પહેલા ત્રણેય સંતાનોને પાણીના ટાંકામાં નાખી દીધા હતા જેને મેં કાઢી લીધા છે. જેથી મેં કહ્યું કે, લાશ નીચે ન ઉતારતા હું આવું છું. જો કે સવજીએ કહ્યું કે તેણે ફાંસો ખાધો હતો તે ચૂંદડી-સાડી છરીથી કાપીને લાશ ઉતારી લીધી છે અમે ત્યાં પહોંચતા મારી બહેનના બાળકો વિષે પૂછતાં સવજીએ કહ્યું કે એ મારાં ભાઈના ઘરે છે. અમને શંકા છે કે, સવજીએ ખોટું કહ્યું છે કે, બાળકોને કંચને પાણીના ટાંકામાં નાખ્યા છે અમને શંકા છે કે સવજીને અન્ય મહિલા સાથે સંબંધ હોય, જેમાં મારી બહેન તે મહિલા સાથે સંબંધ રાખવાનું ના પાડતી હોય જેથી મારી બહેનની હત્યા કરી છે. કુવાડવા રોડ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
» મોરબીના એન્જીનીયરીંગના છાત્રનું મારવાડી કોલેજમાં બેભાન થયા બાદ મોત
» અપડાઉન કરતા યુવકને હિટસ્ટ્રોક લાગી ગયાની શંકા : પરિવારજનો શોકમાં
રાજકોટની મારવાડી કોલેજમાં ઇલેક્ટ્રીકલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરતા મૂળ શક્તસનાળાના ૧૯ વર્ષીય યુવાન ધ્રુવરાજ મહેશભાઈ ગોહેલનું ગત બપોરે કોલેજ કેમ્પસમાં અચાનક ચક્કર ખાઈને ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું છે. પ્રાથમિક તબક્કે યુવાનને તડકો લાગવાના કારણે મોત થયું હોવાની શક્યતા સેવાઈ રહી છે. આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.મૂળ મોરબીના શક્તસનાળાના વતની અને હાલ રાજકોટની મારવાડી કોલેજમાં ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવરાજ મહેશભાઈ ગોહેલ નિત્યક્રમ મુજબ કોલેજની બસમાં મોરબીથી રાજકોટ કોલેજે આવ્યા હતા દરમિયાન ગત બપોરે કોલેજ કેમ્પસમાં અચાનક તેમને ચક્કર આવ્યા હતા અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા જેથી તુરંત મિત્રો અને સ્ટાફ દ્વારા હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ અહીં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું એવી આશંકા સેવાઈ રહી છે કે તડકો લાગી જવાના કારણે યુવાનને ચક્કર આવ્યા હતા અને મોત નીપજ્યું હતું ભાઈ-બહેનમાં નાના એવા આશાસ્પદ યુવાનના મૃત્યુથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.