Loading Please Wait !!!
રાજકોટમાં 5 જૂનથી ધીરેન્દ્ર શાસ્ત્રીની ભવ્ય હનુમંત કથા

  • » રેસકોર્સ મેદાનમાં 3 દિવસ ચાલશે કથા, બીજા દિવસે ભરાશે દિવ્ય દરબાર

  • » લાખો ભક્તોની ભીડને પહોંચી વળવા ૬ પ્રવેશ દ્વાર, પાર્કિંગની વિશાળ વ્યવસ્થા

  • » વિનામૂલ્યે હોસ્પિટલ, કન્યાદાન અને ગૌસેવા સહિતના ૫ મહાસંકલ્પો લોકો સમક્ષ રજૂ કરાયા

સિટી ન્યૂઝ@રાજકોટ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આગામી ૫, ૬ અને ૭ જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પૂજ્ય ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીના મુખેથી ‘સનાતન સેતુ હનુમંત કથા’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતામાં આ ધાર્મિક મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કથાના બીજા દિવસે બાબાનો અત્યંત પ્રખ્યાત ‘દિવ્ય દરબાર’ પણ ભરાશે, જેમાં લોકોની આધ્યાત્મિક અને શારીરિક સમસ્યાઓના નિરાકરણનો દાવો કરવામાં આવે છે. સમાજમાં સનાતન સંસ્કારોનું સિંચન કરવા અને હિન્દુ સમાજને વધુ સંગઠિત કરવા માટે સ્થાનિક સંતો-મહંતોએ લોકોને આ કથામાં સહપરિવાર જોડાવા માટે પ્રબળ આહ્વાન કર્યું છે.

કથામાં આવતા લાખો ભક્તોની ભીડને સુવ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવા માટે ગ્રાઉન્ડમાં કુલ ૬ અલગ-અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. ફન વર્લ્ડ, એરપોર્ટ રોડ અને બાલભવન તરફથી જાહેર જનતાને સરળતાથી પ્રવેશ અપાશે, જ્યારે સાધુ-સંતો, યજમાનો અને પ્રોટોકોલ (વીઆઈપી) માટે સંપૂર્ણપણે અલગ ગેટ રખાયા છે. શહેરમાં ટ્રાફિક જામની કોઈ સમસ્યા ન સર્જાય અને વાહનવ્યવહાર સુચારુ રહે તે માટે ચૌધરી હાઈસ્કૂલ અને રિલાયન્સ ગ્રાઉન્ડમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ સ્પષ્ટતા કરી છે કે કથાના આયોજન ખર્ચ માટે લોકો પાસેથી કોઈપણ પ્રકારનો ફાળો ઉઘરાવાશે નહીં. જો કોઈ ભક્ત પોતાની ઈચ્છાથી દાન આપવા માંગતા હોય તો તે માત્ર બાગેશ્વર ધામના સેવા કાર્યો માટે ત્યાં ઊભા કરાયેલા કાઉન્ટર પર આપી શકશે. કથા દરમિયાન બાગેશ્વર ધામ દ્વારા લેવાયેલા માનવસેવા અને રાષ્ટ્ર ઉત્થાનના ૫ મહાસંકલ્પો લોકો સમક્ષ રજૂ કરાશે. આ સંકલ્પોમાં ગરીબ અને પછાત વર્ગના દર્દીઓ માટે ૨૦૦ કરોડના ખર્ચે બની રહેલી ૧૦૦ બેડની અત્યાધુનિક વિનામૂલ્યે કેન્સર-કિડની હોસ્પિટલ, ૩૦૦ ગરીબ અને નિરાધાર દીકરીઓના નિશુલ્ક સમૂહલગ્ન, ‘એક હિન્દુ-એક ગાય’ અભિયાન અંતર્ગત ગૌમાતાનું સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિના જતન માટે વૈદિક ગુરુકુળની સ્થાપના અને હજારો શ્રદ્ધાળુઓ માટે કાયમી ધોરણે ચાલતા નિશુલ્ક અન્નપૂર્ણા ભોજનાલયનો સમાવેશ થાય છે. આ ૫ સંકલ્પો દ્વારા ધર્મના માધ્યમથી સામાજિક ઉત્થાનનો મોટો સંદેશ આપવામાં આવશે.