રેલવેના દિવ્યાંગ કર્મચારીએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર જીત્યો
» ગાંધીનગરમાં યોજાયેલી પમી રાષ્ટ્રીય પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં દેવેન્દ્ર યાદવની શાનદાર સિદ્ધિ
સિટી ન્યૂઝ@રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના કેરેજ એન્ડ વેગન ડેપોમાં હેલ્પરના પદ પર કાર્યરત દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે પમી રાષ્ટ્રીય આર્મ એન્ડ પેરા આર્મ રેસલિંગ (પંજા કુસ્તી) ચેમ્પિયનશિપ-૨૦૨૬ માં સિલ્વર મેડલ જીતીને રાજકોટ ડિવિઝન અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનીલ મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા ગુજરાતના ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં દેશભરમાંથી ૨૦૦૦ થી વધુ ખેલાડીઓએ વિવિધ શ્રેણીઓમાં ભાગ લીધો હતો.
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા દેવેન્દ્ર યાદવે ૭૦ થી ૮૦ કિલોગ્રામ પેરા સ્ટેન્ડિંગ શ્રેણીમાં પોતાની શારીરિક મર્યાદાઓને પાર કરી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. તેમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તેમની પસંદગી આગામી 'વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬' માટે પણ કરવામાં આવી છે, જે એક મોટી સિદ્ધિ છે.રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ મીનાએ દેવેન્દ્ર યાદવને આ શાનદાર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે. તેમણે જણાવ્યું હતું કે યાદવની આ સિદ્ધિ ડિવિઝનના અન્ય કર્મચારીઓ અને યુવાનો માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ છે.