Loading Please Wait !!!
ડી-માર્ટમાંથી ૫૬ હજારના ઘીના પાઉચની ચોરી

વડોદરાની ઘટના : ચાર અજાણી મહિલાઓ સામે ફરિયાદ 

CCTV ફૂટેજમાં ચાર મહિલાઓ બિલ ચૂકવ્યા વગર ઘીના પાઉચ લઈ જતી જોવા મળી

સિટી ન્યૂઝ | વડોદરા

વડોદરાના અકોટા અને વાસણા વિસ્તારમાં આવેલી ડી-માર્ટ બે અલગ-અલગ શાખાઓમાંથી અમૂલ બ્રાન્ડના ઘીના ૫૬ પાઉચની ચોરી થઈ છે. બંને શાખાના CCTV ફૂટેજમાં ૪ મહિલાઓ બિલ ચૂકવ્યા વગર ઘીના પાઉચ લઈ જતી જોવા મળી હતી. અકોટા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકોટા સ્થિત ગેલેક્સિયા મોલમાં આવેલી ડી-માર્ટ શાખામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા ફરિયાદી રફિક યાસીન મલેક (ઉ.વ. ૩૧) એ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તા. ૧૫ જુલાઈના રોજ બપોરે ૨થી રાત્રે ૧૧ વાગ્યાની શિફ્ટ દરમિયાન સ્ટોક ચેકિંગ કરતા ૧૫,૩૫૦ રૂપિયાની કિંમતના અમૂલ ભેંસના ઘીના એક લિટરના ૨૪ પાઉચ અને ૫,૬૫૦ રૂપિયાની કિંમતના અમૂલ ગાયના ઘીના એક લિટરના ૮ પાઉચ મળીને કુલ ૨૦,૬૨૦ રૂપિયાની કિંમતના ૩૨ પાઉચ સ્ટોકમાંથી ગાયબ હતા.

આ અંગે વાસણા ડી-માર્ટના સ્ટોર મેનેજર ધવલ સાળુંકેને જાણ કરવામાં આવતા ત્યાં પણ સ્ટોક ચેક કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાસણા શાખામાંથી ૧૫,૩૫૦ રૂપિયાની કિંમતના અમૂલ ભેંસના ઘીના એક લિટરના ૨૪ પાઉચ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આમ બંને શાખાઓમાંથી ૩૬,૮૨૦ રૂપિયાની કિંમતના કુલ ૫૬ પાઉચ ચોરી થયાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બંને શાખાના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા.

જેમાં તા. ૧૨ જુલાઈના રોજ અકોટા ડી-માર્ટ ખાતે સાંજે ૭:૩૦ વાગ્યે તેમજ વાસણા ડી-માર્ટ ખાતે સાંજે ૪:૧૫ વાગ્યે ચાર અજાણી મહિલાઓ ઘીના પાઉચ બિલ ચૂકવ્યા વગર લઈ જતી સ્પષ્ટ જોવા મળી હતી. CCTV ફૂટેજના આધારે બંને બનાવમાં સામેલ મહિલાઓ એક જ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.