ડોકટરોનો દરબાર રાજકોટમાં
- ‘વિજય રૂપાણી મેમોરિયલ’ રાજકોટમાં સેવા, શિક્ષણ, યુવા સશક્તિકરણ અને આરોગ્ય ક્ષેત્રે જનકલ્યાણકારી પહેલો શરૂ
- આરોગ્યના મહાકેમ્પમાં ફ્રી નિદાન સાથે દવા !
- 14 જૂને ન્યૂ એરા સ્કૂલ, હનુમાનમઢી પાસે રૈયા રોડ
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના સેવા, સમર્પણ અને જનકલ્યાણના વિચારોને આગળ ધપાવવા માટે રચાયેલા ‘વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન’ દ્વારા રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે આગામી ૧૪ જૂન ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી હનુમાન મઢી પાસે, રૈયા રોડ પર આવેલી ન્યુ એરા સ્કૂલ ખાતે એક વિશાળ અને વિનામૂલ્યે ‘સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ વિજય રૂપાણી મેમોરિયલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાશે, જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ મેગા મેડિકલ કેમ્પમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ અને અનુભવી તબીબો પોતાની સેવાઓ આપશે. દર્દીઓને ન્યુરો, યુરો, કિડની, ગેસ્ટ્રો, જનરલ સર્જરી, કાન-નાક-ગળા (ENT), સ્ત્રી રોગ, બાળ રોગ, હાડકાના દર્દી, ચામડીના રોગો અને ફિઝિશિયન વિભાગના નિષ્ણાતો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, કેમ્પમાં આવનાર દર્દીઓ માટે ડોક્ટરની સલાહ મુજબ CBC, ESR, RBS, Creatine, Cholesterol જેવા લેબોરેટરી રિપોર્ટ્સ અને જરૂરી દવાઓનું વિતરણ પણ તદ્દન નિશુલ્ક કરવામાં આવશે. દર્દીઓએ પોતાના જૂના રિપોર્ટ્સ અને ચાલુ દવાઓની વિગતો સાથે લાવવા અપીલ કરવામાં આવી છે.
ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ સમાજના છેવાડાના માનવી સુધી વિકાસ અને આશા પહોંચાડી તેમને પગભર બનાવવાનો છે. આગામી સમયમાં સંસ્થા દ્વારા શિક્ષણ, કારકિર્દી, યુવા અને મહિલા સશક્તિકરણ તથા સિનિયર સિટીઝન્સ માટે વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. જેમાં યુવાનો માટે સ્ટાર્ટઅપ ટ્રેનિંગ, મહિલાઓ માટે હોમ બેઝ્ડ બિઝનેસ ટ્રેનિંગ અને સિનિયર સિટીઝન્સ માટે ‘સુકૂનવાલા સન્ડે ફનડે’ જેવા નવતર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સંસ્થાનું વિઝન દરેક સામાન્ય માણસને તક, તાલીમ અને માર્ગદર્શન દ્વારા આત્મનિર્ભર બનાવવાનું છે. સંસ્થાના ચેરમેન અંજલીબેન રૂપાણી અને IMA ના હોદ્દેદારો દ્વારા રાજકોટની જનતાને આ સેવાનો મહત્તમ લાભ લેવા અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ માહિતી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે.
-
૧૪ જૂન ૨૦૨૬ના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી ન્યુ એરા સ્કૂલ (રૈયા રોડ, રાજકોટ) ખાતે ફ્રી મેડિકલ કેમ્પ
-
સૌરાષ્ટ્રના નામાંકિત નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન, ફ્રી લેબોરેટરી રિપોર્ટ્સ (CBC, ESR, વગેરે) અને ફ્રી દવા વિતરણ
-
ન્યુરો, યુરો, ગેસ્ટ્રો, ENT, સ્ત્રી રોગ, બાળ રોગ, ઓર્થોપેડિક, સ્કિન અને જનરલ ફિઝિશિયન.
-
દર્દીઓએ પોતાના જૂના રિપોર્ટ્સ સાથે વહેલાસર પહોંચવા નિમંત્રકો અંજલીબેન રૂપાણી અને IMA ની ટીમ દ્વારા અનુરોધ. વિશેષ માહિતી માટે ૦૨૮૧-૨૭૦૪૫૪૫ પર સંપર્ક કરી શકાશે.