Loading Please Wait !!!
દ્વારકાધીશના વાઘાનું મહાતમ્ય, અઠવાડિયાના 7 વાર, 7 રંગ પરંપરા અને ઋતુ સાથે બદલાવાય છે ઠાકોરજીના વાઘા

પરંપરા : નિત્ય શ્રૃંગાર પરંપરા, વાઘા, મુગટ, આભુષણોમાં વૈવિધ્ય
સિટી ન્યૂઝ@દ્વારકા

ભારતના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના સાથે જોડાયેલી પરંપરાઓ આજે પણ અવિરતપણે જળવાઈ રહી છે. ભગવાનના દૈનિક શણગારમાં પણ ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે. અઠવાડિયાના સાતેય દિવસ ભગવાનને અલગ-અલગ રંગના વાઘા અર્પણ કરવામાં આવે છે, જ્યારે વિશેષ તિથિ અને ધાર્મિક પ્રસંગોએ શણગારમાં પણ વિશેષતા જોવા મળે છે.

પરંપરા મુજબ સોમવારે ભગવાનને ગુલાબી રંગના વાઘા, મંગળવારે પીળા, બુધવારે લીલા, ગુરૂવારે કેસરી, શુક્રવારે સફેદ, શનિવારે વાદળી અને રવિવારે લાલ રંગના વાઘા ધારણ કરાવવામાં આવે છે. આ રંગોની સાથે ભગવાનના શણગાર અને વસ્ત્રોની ડિઝાઇનમાં પણ સમય સંજોગ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. દ્વારકાધીશના દૈનિક શાસિયત એ છે કે માત્ર વાઘાના રંગમાં જ નહીં, પરંતુ મુગટ અને અન્ય આભુષણોમાં પણ વિશેષ જેવું છે. ભગવાનના શણગાર સુસંગત રહે તે રીતે મુગટની રચના અને વસ્ત્રોની પેટર્ન તૈયાર કરવામાં આવે છે. ફૂલ, આભૂષણો તથા અન્ય શણગાર સામગ્રીથી

ભગવાનને અલંકૃત કરવામાં આવે છે.

દિવાળી સહિતના પર્વોમાં અલગ શણગાર

દિવાળીના પાવન અવસરે પણ દ્વારકાધીશના શણગારમાં વિશેષતા જોવા મળે છે. તહેવારને અનુરૂપ ખાસ વસ્ત્રો, આભૂષણો અને શણગાર સામગ્રીથી ભગવાનને શણગારવામાં આવે છે. ભક્તો માટે ભગવાનના બદલાતા નિત્ય શણગાર અને વિશેષ પર્વોના દર્શન પણ આસ્થાનો વિશેષ અનુભવ બની રહે છે. આ રીતે દ્વારકાધીશના દૈનિક શણગારમાં વર્ષો જૂની પરંપરા, ધાર્મિક માન્યતા, પંચાંગની તિથિ અને તહેવારોનો સુંદર સમન્વય જોવા મળે છે.

તિથિ પ્રમાણે શણગારમાં ખાસ વિશેષતા, ધાર્મિક પ્રસંગોએ વિશેષ શ્રૃંગાર

ભગવાન દ્વારકાધીશના શણગારમાં માત્ર વારનો જ નહીં, પરંતુ હિંદુ પંચાંગની તિથિનો પણ વિશેષ પ્રભાવ જોવા મળે છે. ધાર્મિક પ્રસંગો અને વિશેષ તહેવારો દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ અલગ પ્રકારના વસ્ત્રો અને આભૂષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે., ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ જયંતિ, વામન જયંતિ સહિત વિવિધ અવતારોની જન્મજયંતિના દિવસોએ અઠવાડિયાના નિર્ધારિત રંગથી અલગ રંગના વાઘા અર્પણ કરવાની પરંપરા પણ જોવા મળે છે. આ પ્રસંગોએ મંદિરના શણગારમાં વિશેષ ધાર્મિક ભાવ જોવા મળે છે.

વાર મુજબ વાઘાનો નિર્ધારિત રંગ...

  • સોમવાર ગુલાબી
  • મંગળવાર પીળો
  • બુધવાર લીલો
  • ગુરૂવાર કેસરી
  • શુક્રવાર સફેદ
  • શનિવાર વાદળી
  • રવિવાર લાલ