Loading Please Wait !!!
વિશ્વ ચક્ષુદાન દિને વિવેકાનંદ યુથ ક્લબનો જાગૃતિ યજ્ઞ

 

» સંસ્થાના પ્રયાસોથી 2 વર્ષમાં 200 ચક્ષુદાન થકી 400 નેત્રહીનોને રોશની મળી

» લોકો ઘરે બેઠા ફોર્મ ભરી શકે તે માટે ઓનલાઈન ગૂગલ લિંક શરૂ કરાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

આજે ૧૦ જૂન એટલે કે વિશ્વ ચક્ષુદાન દિવસ. દેશમાં અંધત્વ નિવારણ માટે ચક્ષુદાનની તાતી જરૂરિયાત છે, ત્યારે રાજકોટમાં વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ચક્ષુદાન અને દેહદાન અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેન મોદીના સઘન પ્રયાસોથી સંસ્થાએ છેલ્લા ૨ વર્ષમાં જ ૨૦૦ ચક્ષુદાન કરાવીને ૪૦૦ નેત્રહીન બંધુઓને રોશની અર્પણ કરી છે.

આંકડાઓ મુજબ, ભારતમાં ૧ કરોડથી વધુ લોકો અંધ છે, જેમાંથી ૮૦ ટકા લોકો ચક્ષુદાન થકી દ્રષ્ટિ મળી શકે તેમ છે. દેશમાં વાર્ષિક ૧ લાખ ચક્ષુદાનની જરૂર છે, પરંતુ જાગૃતિના અભાવે માંડ ૫૦,૦૦૦ દાન થાય છે, જ્યારે દર વર્ષે ૨૫,૦૦૦ નવા દર્દીઓનો ઉમેરો થાય છે. અમેરિકામાં દર વર્ષે ૧ લાખથી વધુ ચક્ષુદાન થાય છે, જ્યારે પાડોશી દેશ શ્રીલંકામાં ૮૦ ટકા લોકોએ સંકલ્પ પત્ર ભરેલા છે (જ્યાંથી જાપાન અને પાકિસ્તાનને આંખો અપાય છે). ગુજરાતમાં દર વર્ષે ૫૫૦૦ થી વધુ અને રાજકોટમાં ૧૫૦૦ થી વધુ ચક્ષુદાન થાય છે, છતાં હજી વ્યાપક પ્રયાસોની જરૂર છે.

સંયોજકોએ માહિતી આપતા જણાવ્યું કે, મૃત્યુ બાદ ૬ કલાકમાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે. ચક્ષુદાન બાદ મૃતકના ચહેરામાં કે આંખના આકારમાં કોઈ જ ફેરફાર થતો નથી, તેથી નિર્ભયપણે દાન કરવું જોઈએ. વધુ લોકો સંકલ્પ લઈ શકે તે માટે ક્લબ દ્વારા ટૂંક સમયમાં વોટ્સએપ મારફતે એક ગૂગલ ફોર્મ લિંક ફરતી કરવામાં આવશે, જેથી લોકો ઘરે બેઠા જ ચક્ષુદાનનો સંકલ્પ પત્ર ભરી શકશે અને તેની નકલ તેમને ઇમેઇલ પર મળી જશે.

આ માનવતાવાદી અભિયાનને સફળ બનાવવા માટે સંસ્થાના સુનીલ વોરા, હસુ રાચ્છ, નલીન તન્ના, પ્રવીણ હાપલિયા, ઉપીન ભીમાણી, કેતન મેસવાણી, જીગ્નેશ પુરોહિત અને નયન ગંધા સહિતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી કે ચક્ષુદાનના સંકલ્પ માટે અનુપમ દોશી (મો. 94282 33796) અને ઉપેન મોદી (મો. 98240 43143) નો સંપર્ક કરી શકાશે.